સુરત સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં બે દિવસથી ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે. સુરત શહેરમાં આજે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે સુરતની સિવિલ હોસ્પિટલ સ્થિત ગરબા માટે આયોજિત પંડાલમાં પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત આખો મંડપ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો.

રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાના આરે છે એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ છે. આજે સુરત શહેરમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો પરિણામે સુરતની સિવિલ હોસ્પિટલ સ્થિત ગરબા પંડાલ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો

હાલમાં નવરાત્રી ચાલી રહી છે ઠેર ઠેર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વરસાદના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત નવરાત્રીમાં પંડાલ ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું, ગ્રાઉન્ડને શણગારમાં આવેલી લાઈટો પણ તૂટી પડી હતી.ખુરશીઓ પણ વેરવિખેર થઈ ગઈ હતી. વરસાદી માહોલના કારણે ઓપન ગ્રાઉન્ડમાં ગરબા રમતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરમાં ભારે પવન ફૂકાવાના કારણે અલગ અલગ જગ્યાએ 10 જેટલા ઝાડ પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી હર્ષિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગઇ કાલે ભારે પવનના કારણે થાંભલા અને કપડા તૂટી ગયા છે, સીરીઝ પણ પડી ગયી હતી પણ સવારથી જ મંડપ અને આયોજકો બધા કોશિશ કરે છે કે જે પણ નુકશાન થયું છે તે પૂરું કરી દઈએ અને આજે રાતે પણ ગરબા થઇ શકે, સિવિલ હોસ્પિટલમાં ગરબામાં બધા વિદ્યાર્થીઓ અને ડોક્ટર અને તેમના પરીવાર જ હોય છે. રોજ 1 હજારથી 1500 જેટલા લોકો અહી ગરબા રમવા આવે છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

