સુરતના સચિન વિસ્તારમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા એક તેજસ્વી વિદ્યાર્થીએ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી નિરાશ થઈને આત્મઘાતી પગલું ભરતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 16 વર્ષીય વિદ્યાર્થી તન્મય રાઠોડે ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સચિન તેલનપુર વિસ્તારમાં રહેતા અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તન્મય રાઠોડે ઘરના પંખા વડે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. તન્મયે હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો અને તેનું સપનું ISROમાં વૈજ્ઞાનિક બનવાનું હતું. ફિઝિક્સમાં ઓછા માર્ક્સ આવતા તેને આ વાતનું ખૂબ માઠું લાગ્યું હતું અને નિરાશામાં તેણે આ પગલું ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મૃતકના પિતા હિમાંશુ રાઠોડ પાંડેસરાની એક કંપનીમાં કારીગર તરીકે કાર્યરત છે.

આ કરુણ ઘટનાથી પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. કારણ કે મૃતક વિદ્યાર્થીના કાકા જીતુભાઈ રાઠોડ પોતે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. તેમના જ ભત્રીજાએ આવું આત્મઘાતી પગલું ભરી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સચિન પોલીસે આ આપઘાત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.

