સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સ્થાનિકો અને વાહનચાલકોને ગટરીયા પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસથી કાદરશાની નાળ વિસ્તારમાં ડ્રેનેજ લીકેજની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વગર ચોમાસે ગટરીયા પૂર સામે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ પગલાં ભરતા ન હોવાના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા હતી આ સમસ્યા દૂર થઈ ત્યાં છેલ્લા બે દિવસથી ગંદા પાણીના ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
છેલ્લા બે દિવસથી આદર્શની નાળ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ છે આ અંગે સ્થાનિકોની ફરિયાદ છે તેમ છતાં યોગ્ય રીપેરીંગ કરવામાં આવતું નથી. સ્થાનિકો ફરિયાદ કરે છે કે ગઈકાલે અહીં રીપેરીંગ કરવામાં આવ્યો હતો પરંતુ આજે સવારથી ફરી ગટરના પાણી રસ્તા પર ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે. પાલિકાની આ બેદરકારીને કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય રહેલો છે. આ ઉપરાંત વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેના કારણે આ સમસ્યા તાત્કાલિક હલ થાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.

