સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની ‘ડ્રગ્સ ફ્રી’ ઝુંબેશ હેઠળ કામરેજ પોલીસે નશાના સોદાગરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. કામરેજના આંબોલી સ્થિત લક્ષમેશ્વર નગરના એક મકાનમાં ચાલતા ગાંજાના છૂટક વેચાણના નેટવર્કને પોલીસે બાતમીના આધારે ધ્વસ્ત કરી નાખ્યું છે.

કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાની ટીમે મળેલી સચોટ બાતમીને પગલે ‘મિથિલા નિવાસ’ ખાતે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કામરેજમાં અડિંગો જમાવી નશાનો વેપાર કરતા દિલીપ પ્રતાપસિંહ ગૌતમ અને હરવંશસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસને સ્થળ પરથી ૪૮૯ ગ્રામ ગાંજો, રોકડ રકમ, મોબાઈલ અને પેકિંગ સામગ્રી મળી કુલ રૂ. ૩૦,૫૦૩/-નો મુદ્દામાલ હસ્તગત થયો છે.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ આરોપીઓ સુરત શહેરના અશ્વિની કુમાર રેલવે પટરી વિસ્તારમાંથી જથ્થો લાવીને કામરેજમાં તેનું વેચાણ કરતા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
