ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. દરોડા દરમિયાન ડેરીમાંથી કુલ 754 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો,સુરત શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલ ઉઠાવતી એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. ગુપ્ત માહિતીના આધારે, SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને મહાનગરપાલિકા (મનપા)ની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સંયુક્તપણે આ ડેરીમાં દરોડો (રેડ) પાડવામાં આવ્યો હતો.

આ દરોડા દરમિયાન, ડેરીમાંથી કુલ 754 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની ગુણવત્તા અને બનાવટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ સમગ્ર 754 કિલો પનીરના જથ્થાને સીઝ કરી દીધો છે. આ પનીર ખરેખર નકલી છે કે કેમ, તેની પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
હાલમાં, સુરત પોલીસ અને પાલિકા વિભાગ દ્વારા આ પનીરના જથ્થાની બનાવટ પાછળના સ્રોતની તપાસ કરવામાં આવી રહી છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પનીરના નકલી કે ભેળસેળયુક્ત હોવાનું સત્તાવાર પુષ્ટિકરણ થશે. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ સુરભી ડેરી સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

