સુરત શહેર ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે મોટા વરાછા વિસ્તારમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવા માટે રચાયેલા એક સુનિયોજિત કાવતરાનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓએ મોટા વરાછાની બ્લોક નં. ૪૪૮ વાળી જમીન રૂ. ૩૩ કરોડમાં ખરીદવાનું નાટક કરી, ફરિયાદીને વિશ્વાસમાં લઈ અન્ય જમીન (અબ્રામા) નું કામ પતાવવાના બહાને સહીઓ મેળવી લીધી હતી. ત્યારબાદ આ સહીઓનો ઉપયોગ કરી રૂ. ૧ કરોડ ૨૧ લાખ રોકડા ચૂકવ્યા હોવાનું દર્શાવતું ખોટું સાટાખત અને બોગસ વાઉચરો તૈયાર કર્યા હતા. આ બોગસ દસ્તાવેજોના આધારે ક્લિયર ટાઈટલ જમીન પર કોર્ટમાં ખોટો દાવો કરી જમીનને વિવાદમાં (ઘોંચમાં) નાખી દીધી હતી.
ઇકો સેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને બે આરોપીઓ (૧) વિજયભાઇ બટુકભાઇ પરમાર (રહે. ગોદાડરા, સુરત / મૂળ સુરેન્દ્રનગર) અને
(૨) રોનકભાઇ પ્રાગજીભાઇ ચોટલીયા (રહે. પલસાણા, સુરત / મૂળ જામનગર)ને ઝડપી પાડ્યા છે
પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
