સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જ્યા લોખંડની ચેનલ મૂકીને માલગાડીને પાટા પરથી ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

રેલવે ટ્રેક પર ઈરાદાપૂર્વક મૂકાઈ ચેનલ
મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખસો રેલવેના પાટા પર ઈરાદાપૂર્વક લોખંડની ચેનલ મૂકી દીધી હતી. જ્યારે માલગાડી આ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચેનલ પાટો ટ્રેન નીચે ફસાઈ ગઈ હતી. લોકો પાયલટને તાત્કાલિક ખ્યાલ આવી ગયો કે ટ્રેન નીચે કંઈક ફસાયું છે, જેના કારણે ટ્રેનની ગતિમાં અવરોધ આવ્યો છે. લોકો પાયલટે ટ્રેન થંભાવી દીધી હતી અને પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. જો ટ્રેનની ગતિ વધુ હોત તો મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ શકી હોત.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ઘટનાની માહિતી મળતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે રેલવેના પાટા પરથી લોખંડની ચેનલ કબજે કરી હતી. પોલીસે આ ગંભીર કૃત્ય કરનાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેન ઊથલાવવાના આ પ્રયાસ પાછળનો હેતુ શું હતો અને કયા ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

