સુરતના ડિંડોલી વિસ્તારમાં રાત્રિના સમયે બારીમાંથી મોબાઈલ ફોનની ચોરીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા ગુનાઓને અંજામ આપતા આરોપી અર્જુન સંતોષ દીવરેને ડિંડોલી શિવાજીનગર પાસેથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે કુલ 4 મોબાઈલ ફોન મળીને કુલ 66,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અર્જુન દીવરે છેલ્લા એક મહિનામાં ડિંડોલી વિસ્તારમાં 4 મોબાઈલ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો. તેની કાર્યપદ્ધતિ એવી હતી કે તે રાત્રિના સમયે બંધ ઘરની બહારથી અથવા ખુલ્લી બારીઓમાંથી મોબાઈલ ફોન ચોરી કરતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે.
વર્ષ 2023માં તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કુલ 5 અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. જે દર્શાવે છે કે તે એક ટેવાયેલો ગુનેગાર છે. આરોપીની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ સફળતાથી ડિંડોલી વિસ્તારના લોકોને રાહત થઈ છે. જેઓ છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓથી પરેશાન હતા. પોલીસે પણ નાગરિકોને રાત્રિના સમયે પોતાના ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવાની અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

