સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પિતા અને તેમની પુત્રી નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા હોવાના સમાચારથી પરિવારમાં ચિંતાનો માહોલ છે. 10 દિવસમાં પરત ફરવાની યોજના સાથે ગયેલા આ પિતા-પુત્રીનો બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો છે.
મળતી માહિતી અનુસાર, કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તે 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા, 17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતી. 18મી ઓક્ટોબરે બસ દ્વારા બસીશેર થઈને તેઓ મનાંગ ગયા. બે દિવસ હોટલમાં રોકાયા પછી તેણે 21મી ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત-3 માટેનો તેમનો ટ્રેક શરૂ કર્યો. આ દરમિયાન જિગ્નેશ પટેલે તેમની પત્ની જાગૃતિબેનને જાણ કરી હતી કે તે 10 દિવસમાં, એટલે કે 30મી અથવા 31મી ઓક્ટોબરે પાછા ફરશે.

26મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન મનાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા આ પિતા-પુત્રી માટે અવરોધરૂપ બની. હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તેનું પરત ફરવું અશક્ય બન્યું અને પરિવાર સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો. પતિ અને પુત્રીનો સંપર્ક ન થતાં, જાગૃતિબેનએ ચિંતા સાથે કડોદ આઉટપોસ્ટ પોલીસનો સંપર્ક કર્યો અને આ બાબતની જાણ કરી.
કડોદ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. જિલ્લા કલેક્ટરે હવે નેપાળમાં સંપર્ક સ્થાપિત કરવા અને ગુમ થયેલા પિતા-પુત્રીના સુરક્ષિત પરત આવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે, અને મનાંગના બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં જિગ્નેશ અને પ્રિયદર્શિનીને શોધવા માટે તપાસ ચાલી રહી છે.
