ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાતમીના આધારે પલસાણા તાલુકાના તુંગી ગામ પાસે, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ પર પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ ₹45,17,764/- નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

SMCની ટીમે સ્થળ પરથી 3,948 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત ₹12.77 લાખ) તેમજ દારૂના વહન માટે ઉપયોગમાં લેવાયેલા 3 લક્ઝુરિયસ વાહનો (કિંમત ₹32 લાખ) અને 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે સ્થળ પરથી વલસાડના પિન્ટુકુમાર નાનુભાઈ પટેલ નામના શખ્સને ઝડપી પાડી પલસાણા પોલીસને સોંપ્યો છે. આ ગુનામાં વલસાડના મુખ્ય આરોપી મનીષ કોઠારવાડી અને તેના ભાગીદાર મિતેશ વાઘ સહિત વાપી અને વલસાડના અન્ય બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વાહનોના એન્જિન અને ચેસિસ નંબરના આધારે તેના માલિકો સુધી પહોંચવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

