સુરતના માંગરોળ-પીપોદરા વિસ્તારમાં કોસંબા પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો કરોડો રૂપિયાનો ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થોનો સંગ્રહ કરવા બદલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના પીપોદરાની વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બની હતી.પોલીસને ચોક્કસ બાતમી મળતાં કોસંબા પોલીસે આ ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન સુરતના પુણા ગામના ચેતન સાંઘાણીનું હતું. ચેતન સાંઘાણીએ જુદી જુદી કંપનીઓના છૂટક ફટાકડાનો જથ્થો અહીં ગેરકાયદેસર રીતે એકત્ર કરીને સંગ્રહ કર્યો હતો. કોસંબા પોલીસે દરોડા દરમિયાન રૂ.86,71,917નો માતબર કિંમતનો ફટાકડાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરવો એ ગંભીર સુરક્ષા જોખમ ઊભું કરે છે. પોલીસે ગોડાઉનના માલિક ચેતન સાંઘાણી વિરુદ્ધ વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારો પહેલા જ પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ઝડપી પાડીને મોટી દુર્ઘટના થતી અટકાવી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

