સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક- વિપક્ષની મહિલા કોર્પોરેટરો વચ્ચે તું તું મે મેં થઈ ગઈ હતી. વિપક્ષી નેતાએ પાલિકાની સામાન્ય સભામાં ફાંકા ફોજદારી થાય છે અને બણગાં ફુકવામા આવે છે તેવો આક્ષેપ કર્યો હતો. તો ભાજપની મહિલા કોર્પોરેટરે તેમને એવું કહી દીધું હતું કે તમે માપમાં રહેજો, આમ મહિલા કોર્પોરેટરો વચ્ચે થયેલી આવી ધમકી પાલિકામાં ચર્ચાનો વિષય બની છે.

સુરત પાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કહ્યું હતું કે ભાજપ એક તરફ વિકાસ સપ્તાહની વાત કરે છે તો બીજી તરફ સુરતના બિસ્માર રસ્તાના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. તે ઘણી જ દુ:ખની વાત છે. છેલ્લા ત્રણ વર્ષમાં ડોગ બાઈટ પાછળ સાડા પાંચ કરોડ કરતાં વધુ ખર્ચ થયો છે 80 હજાર લોકો ડોગ બાઈટનો ભોગ બન્યા છે તો રસીકરણ ખસીકરણ ક્યાં ગયું તેનો જવાબ આપો તેવી માંગણી કરી હતી.
ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં બે લાખ કરોડથી વધુનો હિસાબ હજી ઓડિટ થયો નથી. ગ્રાન્ટનો ઉપયોગ કરીએ છીએ તો ઓડિટ માટે શું વાંધો છે. કંઈ કડદો થયો છે તેવા પ્રશ્નો પુછ્યા હતા. પુણામાં ફાયર વિભાગની ઘટના બની તેમાં તેઓને ઈજા થઈ છે તેઓને ફાયર સેફ્ટીના સાધનો ન હતા અને તેના વગર અંદર જવા દેવામાં આવ્યા છે. ફાયર વિભાગના કર્મચારીઓની હેરાનગતિ થઈ રહી છે. તેની સાથે તેઓએ સામાન્ય સભામાં ફાંકા ફોજદારીની અહીં વાત થાય છે બણગાં ફૂંકવામાં આવે છે
તેમની આ વાત સાથે જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો તેઓએ કહ્યું હતું કે વિરોધ પક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે., તો ભાજપના મહિલા કોર્પોરેટર ઉવર્શી પટેલે મોટા અવાજે વિપક્ષી નેતા સામે અનેક આક્ષેપો કર્યા હતા અને ત્યાર બાદ એવું પણ કહી દીધું હતું કે તમે માપ માં રહેજો. સામાન્ય સભામાં ભાજપના મહિલા કોર્પોરેટરની આવી ખુલ્લી ધમકીના કારણે માહોલ ગરમાયો હતો.

