સુરતીઓના સવારના નાસ્તામાં ખમણ-લોચા સાથે ફાફડા જલેબીનું સ્થાન છે પરંતુ આ ફાફડા અને જલેબી દશેરાના દિવસે વીઆઈપી બની જાય છે. સુરતીઓ લગભગ રોજ કે વીક એન્ડમાં ફાફડા જલેબી આરોગે છે પરંતુ દશેરાના દિવસે તેનો ટેસ્ટ કંઈક અલગ હોય તેમ ફાફડા જલેબીની દુકાન પર તુટી પડે છે. પહેલા સુરતમાં અસલ સુરતી ફાફડા (ભુંગળાવાળા) મળતા હતા. પરંતુ સુરત મીની ભારત બનતા હવે કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનો ટેસ્ટ પણ ઉમેરાયો છે. ફાફડા બનાવવા માટે બેસન-અજમો અને હિંગનો જ ઉપયોગ પણ કારીગરોની બનાવવાની ટેકનીકથી સુરતી ફાફડાનો ટેસ્ટ થયો ટ્વીસ્ટ થયો છે અને સુરતીઓએ તે સ્વીકારી પણ લીધો છે.

તહેવારની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ નવરાત્રીનો તહેવાર પણ ભારે ઉત્સાહથી મનાવી રહ્યાં છે અને ખાણી પીણીના શોખીન સુરતીઓ દશેરાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમ તો સુરતીઓના સામાન્ય નાસ્તામાં ફાફડા-જલેબીનું સ્થાન છે પરંતુ આ દિવસે ખાવાની પરંપરા ટેસ્ટના શોખીન સુરતીઓની આતુરતા વધારી રહી છે.
શહેરના કોટ વિસ્તાર અને મૂળ સુરતીઓ રહે છે તેવા વિસ્તારોમાં અસલ સુરતી ટેસ્ટના ફાફડાનો ટ્રેન્ડ વર્ષોથી ચાલ્યો આવે છે. સુરતી ફાફડા બનાવનાર કારીગર લાંબા અને ભૂંગળી જેવા ફાફડા બનાવે છે. આ ફાફડા ક્રીસ્પી હોવા સાથે સાથે ચટણી લઈને સરળતાથી ખાઈ શકાય તેવા હોય છે અને મૂલ સુરીતઓ આ પ્રકારના ફાફડાની ડિમાન્ડ કરે છે. પરંતુ કારીગરોની અછત હોય છે અને ખાવામાં વધુ સારા હોવાથી ડિમાન્ડ વધુ હોય છે.
સુરતમાં છેલ્લા કેટલાક દસકાથી સૌરાષ્ટ્રીયન વસ્તી પણ નોંધપાત્ર થઈ છે અને સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં કાઠીયાવાડી નાયલોન ફાફડાનો ટ્રેન્ડ જોવા મળે છે. આ ફાફડા પહોળા અને પતલા હોય છે અને તેને બનાવવા માટેના કારીગર મોટાભાગે સૌરાષ્ટરીયન જ હોય છે. આ ફાફડા સાથે પપૈયાનો સંભારો-મોરા મરચા અને મીઠી ચટણી આપવામા આવે છે આમ તો સૌરાષ્ટ્રીયનને પસંદ છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ ટેસ્ટ સુરતીઓને પણ પસંદ પડી રહ્યો છે.
આવી જ રીતે ફાફડાનો રાજસ્થાની ટેસ્ટ પણ ઘણા વખતથી ડેવલપ થયો છે, સુરતમાં ચાના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક રાજસ્થાની વેપારીઓ આ પ્રકારના ફાફડા બનાવે છે અને વેચાણ કરે છે તેના કારીગરો રાજસ્થાની હોય છે. આ ફાફડામાં બેકિંગ સોડાનો વધુ ઉપયોગ થાય છે અને આ ફાફડા સુરતી અને સૌરાષ્ટ્રીયન બેની વચ્ચેના હોય છે તેથી કેટલાક લોકો આ ફાફડાને પણ પસંદ કરી ઝાપટી જાય છે. સુરતીઓએ અન્ય પ્રાંતના લોકોને સમાવી લીધા તેવી જ રીતે આ ફાફડાના ટેસ્ટનો પણ સ્વીકાર કરી લીધો છે તેથી અનેક લોકોને રોજીરોટી મળી રહી છે.

