SURAT : રાંદેરમાં ફ્લેટ આપવાના નામે 8.60 લાખની ઠગાઈ, ચાકુ બતાવી ખંડણી માંગી

0
12
meetarticle

રામપુરા વિસ્તારમાં રહેતી એક અસહાય મહિલા અને તેની વૃદ્ધ માતા પાસે ફ્લેટના દસ્તાવેજ પેટે વધારાના નાણાંની માંગણી કરી,રસોડામાંથી ચપ્પુ કાઢી વૃદ્ધાને મોતનો ડર બતાવી લૂંટી લીધી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.બિલ્ડરે અડાજણ પાટિયા સ્થિત પોતાના ઘરે બોલાવી આતંક મચાવતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મહિલા સાથે 8.60 લાખની છેતરપિંડી

રાંદેર પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ રામપુરા નૂરી મહોલ્લામાં રહેતી સાબેરાબીબી મંસુરીએ 2022માં મોહમ્મદ શાકિબ મુનાફ ઝરીવાલા પાસેથી કોસંબાના અલીપાર્ક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું.જેના પેટે સાબેરાબીબીએ ટુકડે-ટુકડે રૂ.8.60 લાખ રોકડા ચૂકવ્યા હતા.તેમ છતાં શાકિબ દસ્તાવેજ કરી આપવામાં આનાકાની કરતો હતો અને વધારાના રૂ.50 હજારની માંગણી કરતો હતો.

છેતરપિંડી કરી મહિલાને આપી ધમકી

વીસેક દિવસ પહેલા સાબેરાબીબી અને તેમની માતા નાઝેરાબીબી બિલ્ડર શાકિબના રાંદેર સ્થિત ‘સુકુન રો-હાઉસ’રજૂઆત કરવા ગયા,ત્યારે શાકિબ ઝરીવાલાએ રસોડામાંથી ચપ્પુ લઈ આવી વૃદ્ધા નાઝેરાબીબીની છાતીએ તાકી દીધું હતું.આરોપીએ ધમકી આપી હતી કે, પૈસા આપો છો કે મારી નાખું આ ડોશીને ? મોત સામે દેખાતા ગભરાયેલી પુત્રીએ પોતાની પાસે રહેલા રોકડા 5 હજાર આપી માંડ-માંડ જીવ બચાવ્યો હતો.

રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભોગ બનનાર સાબેરાબીબીના પિતાનું 2021માં અવસાન થયું હતું.આરોપી માથાભારે હોવાથી શરૂઆતમાં ફરિયાદ કરવાની હિંમત ચાલી નહોતી,પરંતુ સગા-સંબંધીઓની સમજાવટ બાદ રાંદેર પોલીસના દ્વાર ખખડાવ્યા છે.પોલીસે આ મામલે છેતરપિંડી, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મોહમ્મદ શાકિબ મુનાફ ઝરીવાલા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here