શિયાળાની શરૂઆત સાથે જ સુરતના તાપી કાંઠે, તળાવોમાં અને દરિયા કિનારે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન થઈ ગયું છે. સાઈબીરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, આફ્રિકા સહિતના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટર અંતર કાપીને સુરત સહિત ગુજરાતની અનેક નદી અને તળાવ કિનારે આવી રહ્યાં છે. હજારો કિલોમીટર દૂરથી આવેલા આ વિદેશી પક્ષીઓની ફુડની નેચરલ હેબીટ સુરતીઓ બગાડી રહ્યા છે. પક્ષીઓને ખોરાક ખવડાવી પુણ્ય મેળવવાની લ્હાયમાં સુરતીઓ પક્ષીઓને હલકી ગુણવત્તાના ગાંઠીયા-ખમણ આપીને તેમના અસ્તિત્વ સામે જોખમ ઉભું કરી રહ્યાં છે. આ પ્રવૃત્તિ રોકવા માટે સુરત વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ લોક જાગૃ્તતિનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.

દિવાળી બાદ પણ પડેલા કમૌસમી વરસાદની અસર ઓછી થઈ છે અને હવે શિયાળો જામી રહ્યો છે ત્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદીના કિનારા અને બ્રિજ પર હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ સુરતના મહેમાન બન્યા છે. આમ તો સુરતીઓ મહેમાનગતિ માટે જાણીતા છે પરંતુ આ વિદેશી પક્ષીઓની મહેમાનગતિ માટે સુરતીઓને ઓછી સમજ હોવાથી સુરતી ફરસાણ, ખમણ અને હલકી ગુણવત્તાના ગાંઠીયા પક્ષીઓને આપી રહ્યાં છે. સુરતીઓ આ ખોરાક આપીને પુણ્ય કમાતા હોવાનું માને છે પરંતુ હકીકતમાં આ ખોરાક પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતો હોય લોકો અજાણતામાં પુણ્યના બદલે પાપ કમાઈ રહ્યાં છે.છેલ્લા ઘણાં સમયથી આ સ્થિતિ છે અને તેના કારણે વિદેશી પક્ષીઓ પર માઠી અસર પડી રહી છે જેથી સુરત વન વિભાગ અને પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી નદીના બ્રિજ પર લોક જાગૃત્તિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના જીજ્ઞેશ પટેલ કહે છે, આ વિદેશી પક્ષીઓનો મુખ્ય આહાર માછલી, ઝીંગા તથા દરિયાઈ જીવ જંતુ છે. માનવીય ખોરાક (ખાસ કરીને તેલ-મસાલાવાળા નાસ્તા) ખાવાથી તેમના પાચનતંત્ર પર ગંભીર અસર થાય છે, શરીરમાં પાણીની ઉણપ થાય છે અને આવો ખોરાક પક્ષીઓના અસ્તિત્વ માટે જોખમી બની રહે છે.
ઘનશ્યામ કથિરીયા કહે છે, અહી ખમણ-ગાંઠીયા જેવો ખોરાક પક્ષીઓને આપવામા આવે છે તેનાથી આ પક્ષીઓને શિકાર કરીને ખોરાક લેવાની ટેવ ઘટી જાય છે અને પ્રજનન શક્તિ પર પણ અસર પડી શકે છે, તેથી અહીં આવી લોકોને વિનંતી કરી હતી કે આ પક્ષીઓને તેમના કુદરતી આહાર જ ખાવા દો. તેમને ગાંઠિયા, બિસ્કિટ, ચિપ્સ કે બ્રેડ ન ખવડાવો. પક્ષી નિષ્ણાત રજનીકાંત ચૌહાણ જણાવે છે કે, “પક્ષીઓને માનવીય તળેલું અથવા મીઠું ખોરાક આપવાથી તેઓ નેચરલ ખોરાક ભૂલી જાય છે અને ઉડવાની ક્ષમતા પણ ઘટે છે. ખમણ–ફરસાણ પક્ષીઓ માટે જીવલેણ બની શકે છે.
પક્ષીઓને અપાતા ગાંઠીયા 100 કે 140 રૂપિયા કિલો વેચાઈ છે
સુરતમાં ફરસાણ 350 કે તેથી વધુ રૂપિયા કિલોથી વેચાણ થાય છે પરંતુ પક્ષીઓ માટેના ગાંઠીયા 100 કે 140 રૂપિયા કિલોની આસપાસ વેચાણ થાય છે તેથી તેની ગુણવત્તા સામે પ્રશ્નો છે. આવી હલકી ગુણવત્તાનો ખોરાક પક્ષીઓ માટે હાનિકારક હોવાથી સેવાભાવી સંસ્થાઓ લોકોને જાગૃત કરી રહી છે. વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ સુરતીઓને અપીલ કરે છે કે, વિદેશી પક્ષીઓને ચણ અથવા અનાજ સિવાયનું માનવીય ફરસાણ ન આપવું જોઈએ, પ્રાકૃતિક ખોરાક જ તેમની જીવન રક્ષા અને પર્યાવરણના સંતુલન માટે શ્રેષ્ઠ છે. જે ગાંઠીયા સુરતીઓ ખાઈ નથી શકતા તે પક્ષીઓને કઈ રીતે ખવડાવવામાં આવે છે તે પ્રશ્ન પણ તેઓ પુછી રહ્યા છે.

