SURAT : સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ

0
11
meetarticle

સુરત મહાનગરપાલિકાના 10593 કરોડના બજેટ છતાં પણ એક ઓપરેટર રજા પર હોય તો આધાર કાર્ડ સેન્ટર બંધ રાખવું પડી રહ્યું છે. બજેટમાં સ્માર્ટ સુરત બનાવવા માટેની વાત કરવામા આવી છે પરંતુ બજેટ જાહેર થયાના બે દિવસ બાદ સરથાણા ઝોન પર આધાર કાર્ડ સેન્ટર બહાર જે નોટિસ છે તેના કારણે પાલિકાનો 10593 કરોડના વહીવટ સામે પ્રશ્નાર્થ ઉભા રહ્યો છે. 10 લાખની વસ્તી ધરાવતા ઝોન માટે આધાર કાર્ડ સેન્ટર બંધ છે પરંતુ તેનું કારણ એ છે કે ઓપરેટર સામાજિક પ્રસંગ માટે ગયાં છે. મસમોટા કોન્ટ્રાક્ટ અપાયા છતા એક ઓપરેટર ન હોય અને સિસ્ટમ બંધ થઈ જાય તે કામગીરી અનેક લોકોને અકળાવી રહી છે. 

સુરત પાલિકા વિસ્તારમાં ચાલતી આધારકાર્ડની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિવાળી પહેલાથી વિવાદમાં છે. દિવાળીના સમયે જ સરથાણા ઝોનમાં આધાર કાર્ડની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે આધારકાર્ડની કામગીરી થાય તેની બહાર એક બોર્ડ લાગ્યું હતું જેમાં લખ્યું હતું કે આધાર કાર્ડના ઓપરેટરના જોબ છોડી દેવાથી સરથાણા ઝોન આધાર કાર્ડ કેન્દ્ર બંધ છે. કોઈ નવા કોન્ટ્રાક્ટના ઓપરેટર ન આવે ત્યાં સુધી સેન્ટર બંધ રહેશે. આ સાથે દિવાળી પછી તપાસ કરવા આવવું. આવા પ્રકારના લખાણોના કારણે વિવાદ થયો હતો. તો હવે સરથાણા ઝોનમાં જ આધાર કાર્ડ સેન્ટર બંધ છે તેના માટે નવું જ કારણ બહાર આવ્યું છે. આધારકાર્ડ કામગીરી થાય તે જગ્યાએ બોર્ડ મુકી લખાયું છે કે, સવિનય જણાવવાનું કે આધાર કાર્ડ ઓપરેટર તારીખ 03/02/2026 થી તારીખ 08/02/2026 સુધી સામાજિક કારણોસર રજા પર હોવાથી ન્યુ ઇસ્ટ ઝોન (સરથાણા) આધાર કાર્ડ સેન્ટર બંધ છે. અથવા કોઈ નવા આધાર કાર્ડ ઓપરેટર નહી આવે ત્યાં સુધી સેન્ટર બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી.

 સરથાણા ઝોનમાં આધાર કાર્ડની કામગીરી બંધ રહેવા પાછળ આવા ચિત્ર વિચિત્ર કારણ છે તેમ છતાં આવી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા ભરાતા નથી. જેથી આધારકાર્ડની કામગીરી માટે આવતા લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

સ્માર્ટ સુરતના સપના દેખાડતી પાલિકા પાસે કરોડનું બજેટ છે, ટેકનોલોજીની વાત છે, પરંતુ આધાર કાર્ડ સેન્ટર ચલાવવા માટે બેકઅપ ઓપરેટર નથી. એક કર્મચારી રજા પર જાય અને આખી જાહેર સેવા બંધ થઈ જા છે આ સ્થિતિ સ્માર્ટ વહીવટ નહીં પરંતુ સંવેદનહીન આયોજનનો દાખલો છે. પાલિકાના મોટા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટેનો સ્માર્ટ હિંમત ક્યારે દેખાશે તેવો સવાલ નાગરિકો કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here