નવેમ્બર મહિનો પુરો થયો અને ડિસેમ્બર શરૂ થતાની સાથે જ સુરતમાં ઠંડીનો ચમકારો પણ શરુ થયો છે. આ ઠંડીથી સુરતના સરથાણા નેચર પાર્કમાં રાખવામા આવેલા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે પાલિકા દ્વારા હિટર મુકવા સાથે અન્ય ઉપાયો શરૂ કરાયા છે. સરથાણા નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓના પીંજરા બહાર હીટર જ્યારે પક્ષીઓના પીંજરામાં બલ્બ અને ખુલ્લામાં રહેતા હરણ જેવા પ્રાણી રહે છે ત્યાં લાકડા સળગાવી તાંપણું પણ કરવામાં આવી રહ્યું છે.

હાલ ડિસેમ્બર મહિનો શરૂ થયો છે તેમ છતાં પણ વધુ જોઈએ એવી ઠંડી શરૂ થઈ નથી. સુરતમાં રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે પરંતુ હજી પણ દિવસના સમયે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે સુરતમાં શિયાળો શરૂ થઈ રહ્યો છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. હજી ઠંડીની શરૂઆત પુરી થઈ નથી. પરંતુ પાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આખો દિવસ ઠંડા પવનના સુસવાટા ફૂંકાય રહ્યા છે, એવામાં જનજીવન સાથે વન્યજીવનને પણ અસર પહોંચતી હોય છે, પ્રાણી સંગ્રહાલયના ડો.રાજેશ પટેલ કહે છે, સિંહ, વાઘ, દીપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઈટ શેલ્ટર ની બહાર હીટર મુકવામાં આવ્યા છે જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહ્યું છે. આ ઉપરાંત ઠંડીથી પક્ષીઓને બચાવવા માટે પીંજરામાં બલ્બ મુકવામાં આવી રહ્યાં છે અને હરણને રાખવામાં આવે છે તે મેદાનમાં રાત્રી દરમિયાન ઠંડી વધે તો તાપણા પણ કરવામાં આવી રહ્યા છે.

