સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સી સોસાયટીમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં સોસાયટીના ગેટ પાસે એક વૃદ્ધ બાંકડા પર બેઠા હતા ત્યારે અચાનક ડ્રેનેજ લાઈન તૂટવાથી મોટો ખાડો પડ્યો અને વૃદ્ધ તેમાં ગરકાવ થઈ ગયા. આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ રેસિડેન્સીના ગેટ પાસે ડ્રેનેજ લાઈન તૂટી જવાથી મોટો ભૂવો પડ્યો હતો. આ સમયે એક વૃદ્ધ બાંકડા પર બેઠા હતા. અચાનક જમીન ધસી પડતા વૃદ્ધ ખાડામાં ખાબક્યા હતા. આ જોઈને સોસાયટીના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે, વૃદ્ધને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી.આ ઘટનાને કારણે સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોએ આ ઘટના માટે ડેવલોપરને જવાબદાર ગણાવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સોસાયટીના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે.
આ ઘટનામાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

