સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સોમવારે (22 સપ્ટેમ્બર) બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુના ભક્તોના એક જૂથે સિવિલ હૉસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર તેમનો ફોટો મૂકીને આરતી કરી હતી. આ ઘટનાને કારણે ભારે વિવાદ સર્જાયો છે, કારણ કે હૉસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ધરિત્રી પરમારને આ અંગે કોઈ જાણ નહોતી કે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી.

મળતી માહિતી મુજબ, નવી સિવિલ હૉસ્પિટલમાં આસારામ બાપુના ભક્તોએ તેમની આરતીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મંત્રો અને ભજનો ગાવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે હૉસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારીઓ, જેમાં પિડિયાટ્રિક વિભાગના વરિષ્ઠ વિશેષજ્ઞ ડૉ. જીગીશા પાટડિયાનો પણ સમાવેશ થાય છે, તેઓ આરતીમાં જોડાયા હતા. હાજર સિક્યુરિટીના જવાનો પણ આ પૂજામાં સામેલ થયા હતા.
સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડિયો પણ ઉતાર્યો છે. ઉલ્લેખનીય છે કે, આસારામ બાપુને 2018માં કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને 2023માં ગાંધીનગર કોર્ટે પણ સુરતની એક મહિલા પરના બળાત્કાર કેસમાં તેમને આજીવન કેદની સજા આપી હતી. આવા ગંભીર અપરાધીની પૂજા સિવિલ હૉસ્પિટલ જેવી સંસ્થામાં થવી એ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
સુરત સિવિલ હૉસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આ પ્રકારની ઘટના બની હોવા છતાં, હૉસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ધરિત્રી પરમારને આ અંગે કોઈ જાણકારી નહોતી. વિવાદ થયા બાદ તેમને જાણ થતાં વિવાદને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિવિલ હૉસ્પિટલમાં જ્યારે પણ કોઈ વિવાદ થાય છે, ત્યારે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવામાં આવે છે. આ અંગે ડૉ. ધરિત્રી પરમારનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું કે તેઓ રજા પર અને આઉટ ઑફ સ્ટેશન છે. આ ઘટનાએ સુરત સિવિલ હૉસ્પિટલના સંચાલન પર અનેક સવાલો ઊભા કર્યા છે.

