SURAT : સુરતથી સાડી લાવી વેચાણ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું અપહરણ કરી ખંડણી માંગનારા બે શખ્સો ઝડપાયા

0
43
meetarticle

સુરતથી સાડી લાવી વેચાણ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું અપહરણ કરી રૂ.૫૦ લાખની ખંડણી માંગવાના બનાવમાં બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બે શખ્સોને રાજકોટ ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આધેડને અપહરણમાંથી મુક્ત કરાવ્યા હતા.
ભાવનગરના વતની અને હાલ વીટીનગર કુબેરબાગ મહુવા ખાતે રહેતા માનસીબેન કમલેશગીરી ગૌસ્વામીએ બોરતળાવ પોલીસ મથકમાં કાના ભરવાડ અને ભરત ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો પરિવાર બહારગામથી સાડીઓ લાવી વેચાણ કરવાનો વ્યવસાય કરતા હોય ગત તા.૧૧-૧૦ના રોજ તેમના પિતા કમલેશભાઈ તેમની જીજે-૦૪-ડીએ-૧૨૬૨ નંબરની કાર લઈને સાડીઓ ખરીદી કરવા માટે સુરત ગયા હતા. જે બાદ બીજે દિવસે મોડી રાતે તેમના પિતા સાથે વાત થઈ હતી અને જેમાં તેમની કાર બગડી ગઈ હોવાથી કાર ગેરેજમાં મુકીને આવું છું તેમ જણાવ્યું હતું. જે પછી તા.૧૩-૧૦ના સાંજે તેમના પિતાનો ફોન આવ્યો અને કહેલ કે, મારો જીવ ખતરામાં છે જ્યાં સુધી તમે કાનાભાઈ ઈકોવાળા તથા ભરતભાઈને રૂ.૫૦ લાખ નહી આપો ત્યાં સુધી તેઓ મને છોડશે નહી. આ વાતચીત દરમિયાન ફોનમાં અન્ય લોકોએ પોલીસને જાણ કરશો તો તારા બાપને જીવતા નહી મુકીએ અમારી બધે નજર છે તેમ જણાવ્યું હોવાથી તેમણે પરિવારના સભ્યો સિવાય કોઈને વાત કરી નહોતી. જે બાદ ઉક્ત બન્ને તમના જાણીતા શખ્સોએ અવારનવાર ફોનમાં પૈસાની માંગણી કરતા હોય તેથી આ મામલે તેમના સમાજના મહંત કુંવરજીબાપુને વાત કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવાની હિંમત આપી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે અલગ અલગ ટીમો બનાવી રાજકોટ ખાતેથી ગોપાલ બોઘાભાઈ બામ્બા (રહે.માલધારી સોસાયટી, હાલ નારી) અને કાના રાજેશ ટોળીયા (રહે. નવા થોરાળા, રાજકોટ)ને ઝડપી લઈ કમલેશભાઈને મુક્ત કરાવ્યા હતા. તેમજ આ ગુનામાં ભરત હમીરભાઈ ટોળીયા, દિનેશ અને કાનો પટેલ (ત્રણેય રહે.રાજકોટ) નામના અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલી હતી.

ઝડપાયેપા આરોપીઓ સામે ભાવનગર-રાજકોટમાં કુલ પાંચ ગુના નોંધાયા છે

અપહરણના ગુનામાં ઝડપાયેલા ગોપાલ બામ્બા વિરૂદ્ધ ભાવનગર શહેરના ભરતનગર, નિલમબાગ અને ઘોઘારોડ પોલીસ મથક એમ કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. તેમજ કાના ટોળીયા સામે રાજકોટ શહેર એ ડિવિઝનમાં તથા  થોરાળા પોલીસ મથક એમ કુલ બે ગુના નોંધાયા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here