ભગવાન શિવને દૂધ, જળાભિષેક અને બિલીપત્ર ચઢાવવાની પરંપરા તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ સુરતમાં એક એવું અનોખું શિવધામ આવેલું છે, જ્યાં ભક્તો ભગવાનને ‘જીવતા કરચલા’ અર્પણ કરે છે. સુરતના ઉમરા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં વર્ષમાં એકવાર આ અદભૂત નજારો જોવા મળે છે.
લોકવાયકા મુજબ, જે શ્રદ્ધાળુઓને શારીરિક તકલીફ હોય, ખાસ કરીને કાનને લગતી બીમારીઓ હોય, તેઓ અહીં બાધા રાખે છે. ભક્તોનું માનવું છે કે અહીં શ્રદ્ધાપૂર્વક બાધા રાખવાથી કાનના રોગ દૂર થાય છે. આ બીમારી દૂર થયા પછી, દર વર્ષે પોષ વદ એકાદશીના દિવસેએ ભક્તો મંદિરે આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવી પોતાની માનતા પૂરી કરે છે.જો કે આ એક શ્રદ્ધાનો વિષય છે, પણ લોકો માને છે કે કરચલાના અંગોની રચના અને કાનની આંતરિક રચનામાં ક્યાંક સામ્યતા છે (જેમ કે કરચલાને સાંભળવા માટેના અંગો તેના પગ પાસે હોય છે). આથી, કાનની બીમારી દૂર થાય ત્યારે પ્રતીક રૂપે કરચલા ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.
લોકવાયકા મુજબ, આ મંદિર સાથે ભગવાન શ્રી રામની એક અલૌકિક કથા જોડાયેલી છે. જ્યારે ભગવાન રામ વનવાસ દરમિયાન દક્ષિણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ સ્થળે રોકાઈને પોતાના પિતૃઓના મોક્ષાર્થે માટે પૂજા અને તર્પણ વિધિ કરી હતી. આજે પણ હજારો લોકો અહીં પોતાના પિતૃઓના મોક્ષ માટે ‘નારાયણ બલિ’ અને અન્ય વિધિઓ કરાવવા આવે છે.

વિધિ માટે બ્રાહ્મણ ન હોવાથી રામજીએ સમુદ્ર દેવને પ્રાર્થના કરી હતી, જેના ફળસ્વરૂપ સમુદ્ર દેવ બ્રાહ્મણ સ્વરૂપે પ્રગટ થયા હતા. પૂજા દરમિયાન સમુદ્રના મોજાં સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી ગયા હતા. સમુદ્ર દેવે ભગવાન રામને આ જીવોના ઉદ્ધાર માટે વિનંતી કરી. આ દ્રશ્ય જોઈ ભગવાન રામ ભક્તિમાં લીન એટલે કે ‘ઘેલા’ બન્યા હતા, જેના કારણે આ મંદિરનું નામ ‘રામનાથ ઘેલા’ પડ્યું હોવાનું મનાય છે.
કરચલા ચઢાવવાની આ પરંપરા વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે પોષ વદ એકાદશીના દિવસે જ હોય છે. આ દિવસે માત્ર સુરત જ નહીં, પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાંથી પણ હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. ઉત્તરાયણના (14મી જાન્યુઆરી) આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં લોકોએ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી પિતૃઓના મોક્ષાર્થે વિધિ પણ કરી હતી.
આ મંદિર સુરતના ઉમરા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલું છે. તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે, તેથી નદી કિનારે આવેલા આ શિવાલયનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. પિતૃ તર્પણ અને મોક્ષાર્થે થતી વિધિઓ માટે આ સ્થળ કાશી જેવું જ પવિત્ર માનવામાં આવે છે.

