સુરતમાં પત્ની સાથેના કંકાસમાં ડોકટરે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, એનેસ્થેસિયાનું ઈન્જેકશન મારીને કર્યો આપઘાત, તો હોમિયોપેથી ડોકટરે હોટલના રૂમમાં જઈને આપઘાત કર્યો છે.રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં બેવફા વાઈફ મારી, ન્યાય થશે તેવો કર્યો ઉલ્લેખ અને 2 વર્ષ પહેલા ભાવેશ ક્વાડના લગ્ન થયા હતા અને ભાવેશ ક્વાડની પત્ની અમદાવાદમાં રહે છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોડાદરા વિસ્તારના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રૂમમાં હોમિયોપેથિક તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. તબીબે ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બનાવ પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાની શક્યતા વર્તાઈ રહી છે. તબીબ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે કબજે લઈ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લામાં આવેલા રાજુલના ખખબાઈ ગામના વતની અને હાલમાં ડિંડોલી સ્થિત દેલાડવા ગામ પાસે આવેલ માં ખોડિયાર રેસિડન્સીમાં રહેતા 33 વર્ષીય ડો. ભાવેશભાઈ રાહુલભાઈ કવાડ હોમિયોપેથિક તબીબ હતા અને કિરણ હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાલમાં તેમની પત્ની અમદાવાદમાં નોકરી કરે છે. નિઃસંતાન ડો. ભાવેશ કવાડ ગોડાદરા વિસ્તારના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી હોટલની નેસ્ટ આઠ નંબરની રૂમમાં શુક્રવારે રાતે રોકાયા હતા. બીજા દિવસે શનિવારે સવારે સમયસર ચેકઆઉટ નહીં કરતા હોટલ સંચાલકે તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. પરંતુ તેઓએ રિસીવ કર્યો ન હતો. જેથી હોટલના કર્મચારીને શંકા ગઈ હતી.
જેથી પોલીસની ટીમ હોટલ પર પહોંચી હતી. પોલીસના જવાનોની હાજરીમાં રૂમનો દરવાજો ખોલતા તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે તપાસનો દોર આગળ શરૂ કર્યો હતો. જેમાં રૂમમાંથી ઈન્જેક્શન સહિતની વસ્તુઓ મળી આવી હતી. તબીબે પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે તબીબ પાસેથી ડાયરી કબજે કરી હતી. જેમાં સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જે સ્યુસાઈડ નોટ પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ તબીબે ઘરકંકાસમાં અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતા સેવાઈ રહી છે. આપઘાતના બનાવ અંગે ગોડાદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

