છેલ્લા ઘણા સમયથી સુરતીઓને નકલી પનીર ખવડાવતી સુરભી ડેરીનો ભાંડો ફુટ્યા પછી પણ ડેરી સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. ગઈકાલે ગંદકી મુદ્દે ડેરી બંધ કરાવી હતી. પરંતુ રાત્રીએ ફરી ડેરી શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકાની કામગીરી સામે હોબાળો થતાં આખરે આજે અડાજણની સુરભી ડેરી સીલ કરવામાં આવી હતી.
ભુતકાળમાં સબ સ્ટાન્ડર્ડ પનીર વેચનાર સુરભી ડેરીમાંથી હાલ મોટા પ્રમાણમાં નકલી પનીર મળી આવ્યું હતું. સુરત એસ.ઓ.જી. અને પાલિકાના ફૂડ વિભાગે સોરઠીયા કમ્પાઉન્ડ, આઈએનએસ હોસ્પિટલની પાછળ, સોમા કાનજીની વાડી, ખટોદરા વાડી ખાતે આવેલી સુરભી ડેરીમાં દરોડા પાડ્યા હતા. તેમાં પનીરનો 754 કિલોનો જથ્થો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ કામગીરી સાથે જ માલિકે આ પનીર ડુપલીકેટ હોવાનું કબૂલ્યું હતું.

ગઈકાલે પાલિકાએ અડાજણ અને યોગી ચોકની સુરભી ડેરીમાં ચેકીંગ કરતા 17 કિલો પનીર અને 4 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. અડાજણ બ્રાંચમાં ગંદકી દેખાતા પાલિકાએ ડેરી બંધ કરાવી હતી જોકે, રાત્રી દરમિયાન ડેરી ફરી ખોલી દેવાતા પાલિકાએ ફરી ટીમ મોકલી ડેરી બંધ કરાવી હતી. આ ડેરીમાં ભૂતકાળમાં પણ સબ સ્ટાન્ડર્ડ પનીર મળી આવ્યું હતું પરંતુ ત્યારે પણ કોઈ નક્કર કામગીરી થઈ ન હતી. ત્યારબાદ ફરી હાલમાં બનાવટી પનીરનો જથ્થો ઝડપાયા બાદ પણ કોઈ નક્કર કામગીરી ન થતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારબાદ પાલિકાએ આજે અડાજણ ખાતેની સુરભી ડેરી સીલ કરવાની કામગીરી કરી હતી.

