સુરતના પાસોદરા વિસ્તારના તેલના વેપારીનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવાનો બનાવ બન્યો છે. જેમાં પોલીસે ટ્રેપ ગોઠવીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે વેપારી રૂષિક ભાગીદાર પોતાની કાર લઈને કારખાને જતા હતા ત્યારે વલથાણ સર્કલ નજીક ફિલ્મી ઢબે અપહરણકારોએ અલ્ટ્રોઝ કારથી તેમની કારને ટક્કર મારી હતી. વેપારીને બળજબરીપૂર્વક અલ્ટ્રોઝ કારમાં બેસાડી લાડવી ફાર્મ હાઉસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મુખ્ય આરોપી હનુ રાણા ચાવડાએ ઢોર માર મારીને કપડાં કઢાવી વીડિયો બનાવ્યો હતો અને રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી.

પોલીસે ટ્રેપ ગોઠવીને ખંડણીની રકમ લેવા આવેલા બે આરોપીઓ જતીન લાઠીયા અને શુભમ લખાણીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, પોતાના માણસો પકડાતા બાકીના અપહરણકારોએ વેપારીને ધમકી આપી માંકણા નજીક ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર હનુ ચાવડા સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે.સુરતના પાસોદરા, સ્વામી નારાયણ ગ્રીન સિટીમાં રહેતા રૂષિક ભૂપતભાઈ ભાગીદાર (ઉં.વ. 28) શનિવારે પોતાની બલેનો કાર (GJ16FA-5219) લઈને માંકણા ખાતે આવેલા પોતાના કારખાને જઈ રહ્યા હતા. વલથાણ સર્કલ નજીક પાછળથી આવેલી અલ્ટ્રોઝ કાર (GJ03NF-7190)એ તેમની કારને ટક્કર મારી ઊભી રાખવા જણાવ્યું હતું. જોકે, રૂષિકે કારની સ્પીડ વધારતા અપહરણકારોએ પીછો કર્યો હતો અને ફિલ્મી ઢબે એન્થેમ રોડ પર બે રાઉન્ડ ફર્યા બાદ વલથાણ રોડ પર તેમની કારને આંતરી હતી. અપહરણકારો રૂષિકને બળજબરીપૂર્વક અલ્ટ્રોઝમાં બેસાડી લાડવી ફાર્મ હાઉસ લઈ ગયા હતા.
ત્યાં, આરોપીઓએ રૂષિકને ઢોર માર માર્યો હતો, કપડાં કઢાવી વીડિયો બનાવ્યો હતો. મુખ્ય આરોપી હનુ નામના શખ્સે ₹૫૦ લાખની ખંડણીની માંગણી કરીને ધમકી આપી હતી કે “રકમ નહીં મળે તો જીવતો નહીં છોડીએ.” અંતે, ₹૪૦ લાખ બે દિવસમાં આપવાની ઉઘરાણી કરવામાં આવી હતી. રૂષિકે પોતાના મિત્ર નિલેશ સુદાણીને ફોન કરીને ₹૧૨.૫૦ લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ રકમ હનુ ચાવડાએ તેના માણસને કામરેજ ચોકડી પહોંચાડવા કીધી હતી.આ દરમિયાન રૂષિક દેસાઈની પત્ની ભૂમિબેન સહિત જૈમિન કામરેજ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જણાવેલ સ્થળ પર પૈસા નો થેલો લઈને પહોંચેલી પોલીસે સાઈન બાઇક પર રકમ લેવા આવેલા બે આરોપીઓ – જતીન વલ્લભ લાઠીયા અને શુભમ વિરજી લખાણીને રંગેહાથ ઝડપી લીધા હતા. પોતાના માણસો પકડાયાની જાણ થતા, અલ્ટ્રોઝ સવાર ચારેય આરોપીઓએ રૂષિકને ઘટનાની જાણ કરવા બદલ બાળકોને મારી નાખવાની ધમકી આપી માંકણા નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. કામરેજ પોલીસે ધરપકડ કરાયેલા જતીન લાઠીયા અને શુભમ લખાણી ઉપરાંત મુખ્ય આરોપીઓ હનુ રાણા ચાવડા, શૈલેષ ઉર્ફે બાટલો અમૃત સોલંકી, કાનો કોળી અને જયેશ દુલારાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય સૂત્રધાર હનુ રાણા ચાવડા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.
REPORTER : સુનિલ ગાંજાવાલા ,સુરત

