સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ આવેલા ઊંચાઈના નિયમોનું ઉલ્લંઘન કરતી બિલ્ડીંગોને ન તોડવાના મામલે ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા સુરતના કલેક્ટરને કડક નોટિસ ફટકારવામાં આવી છે. પંચે કલેક્ટરને આગામી 15 ઓક્ટોબરે યોજાનારી સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે, જેના કારણે વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટની સુરક્ષા માટે જોખમરૂપ ગણાતી આ ગેરકાયદેસર બિલ્ડીંગોને તોડવા માટે અગાઉ અનેક વખત આદેશો અપાયા હોવા છતાં, કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવ્યો હતો.ખાસ કરીને, કલેક્ટરે પોતે જ આ બિલ્ડીંગોને ત્રણ વર્ષ સુધી ન તોડવાનો હુકમ કર્યો હોવાની વાત સામે આવતા, સમગ્ર મામલો ગંભીર બન્યો છે.આ સમગ્ર મુદ્દે એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા ગુજરાત માનવ અધિકાર પંચ સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદમાં આ બિલ્ડીંગોને કારણે વિમાનની સલામત ઉડાન અને ઉતરાણ પર તોળાઈ રહેલા જોખમ તેમજ જાહેર સુરક્ષાના ભંગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કલેક્ટરના હુકમથી એરપોર્ટ સુરક્ષા જોખમાતી હોવાની અને નાગરિકોના જીવ સામે ખતરો ઊભો થતો હોવાની દલીલ પંચ સમક્ષ રજૂ કરાઈ હતી. માનવ અધિકાર પંચે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા છે. કલેક્ટરને પંચ સમક્ષ હાજર થઈને બિલ્ડીંગો ન તોડવાના હુકમ પાછળના કારણો અને અત્યાર સુધીની કાર્યવાહીમાં વિલંબ શા માટે થયો તેની સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે.સુરત એરપોર્ટની સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરતી આ બિલ્ડીંગોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે અને આ મામલે અગાઉ પણ હાઈકોર્ટમાં કેસ ચાલી ચૂક્યા છે. જોકે, માનવ અધિકાર પંચની આ નોટિસથી વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે અને આગામી સુનાવણીમાં કલેક્ટર કયા ખુલાસા રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે. એરપોર્ટની સુરક્ષા અને નાગરિકોના જાનમાલની સલામતી જેવા અતિ મહત્ત્વના મુદ્દે પંચનો આ હસ્તક્ષેપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
REPORTER : સુનિલ ગાંજાવાલા ,સુરત

