સુરત જિલ્લાના કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સૂટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળી આવવાના સનસનાટીભર્યા મામલે એલસીબી (LCB)એ મુખ્ય આરોપીની દિલ્હી નજીક આવેલા ફિરોઝાબાદથી ધરપકડ કરી છે. મૃતક મહિલા સાથે પ્રેમસંબંધ ધરાવતા આરોપીએ લગ્ન માટેના દબાણને કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રેમીએ હત્યા કરીને લાશ ડ્રેનેજ લાઇનમાં ફેંકી
આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક મહિલા છેલ્લાં ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી, પરંતુ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે રવિએ તેની હત્યા કરી નાખી. ત્યાર બાદ આરોપીએ મૃતદેહના કટકા કર્યા ન હોતા, પરંતુ કપડાંથી લાશને બાંધીને સૂટકેસમાં મૂકી હતી. ત્યારબાદ બેગને કોસંબા ઓવરબ્રિજ પાસે આવેલા મારૂતિના શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાં મૂકીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
કેવી રીતે પકડાયો આરોપી?
આરોપી રવિએ મૃતદેહનો નિકાલ કરવા માટે જે મરૂન રંગની ટ્રોલીબેગનો ઉપયોગ કર્યો હતો, તે ખરીદતી વખતે તેણે દુકાનમાં UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટ પુરાવા તરીકે પોલીસને મળ્યું અને બાદમાં CCTV ફૂટેજ ચેક કરતા આરોપીની ઓળખ કરાઈ.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું કે, મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે અને ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા સમયે પ્રતિકાર કરવાના કારણે તેના શરીર પર પાંચથી છ જેટલા નિશાન પણ છે. હત્યા મૃતદેહ મળ્યાના 24 થી 48 કલાક પહેલાં જ થઈ હોવાની આશંકા છે. જોકે, મહિલા સાથે કોઈ બળજબરી કરવામાં આવી છે કે, કેમ તે વિશે અન્ય સેમ્પલ દ્વારા તપાસ શરૂ છે.
પાડોશીના નિવેદનની થયો ખુલાસો
પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે, રવિવારે સાંજે 6:15 થી 6:30 વાગ્યાની આસપાસ રવિ બેગ લઈને ઉતાવળે દાદરા પરથી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે બેગ તેના હાથમાંથી છટકીને નીચે પડી ગઈ હતી અને એક જોશથી અવાજ આવ્યો હતો. જ્યારે પાડોશીએ પૂછ્યું કે, શું થયું તો રવિએ ફક્ત એટલું જ કહ્યું કે બેગ છટકી ગઈ. ત્યાર બાદ લગભગ 20-25 મિનિટ બાદ રવિ પાછો ઘરે આવ્યો અને પોતાનો સામાન બેગમાં ભરીને રૂમને તાળું મારીને ત્યાંથી નીકળી ગયો. ઘરેથી જતા સમયે તેણે પાડોશીને ચાવી આપીને કહ્યું કે, તેને દિલ્હીમાં નોકરી મળી ગઈ છે અને બાદમાં તે ફરાર થઈ ગયો.

