સુરતના કાપોદ્રામાં આવેલા એક હીરાના કારખાનામાં સરણ ફાટતાં એક રત્નકલાકાર મોત ભેટ્યો છે. સરણના ટુકડા વાગતા 20 વર્ષીય નવીન બહાદુર છૈત્રી નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રત્નકલાકારના પરિવારજનો હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા અને કારખાના તરફથી યોગ્ય વળતર મળે તેવી માગ કરી હતી. અને મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનામાં નવીન સાથે કામ કરતાં અન્ય બે રત્ન કલાકારોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે.

અચાનક જ સરણ ફાટ્યું
પ્રાથમિક માહિતી અનુસાર મુર્ગા કેન્દ્ર ખાતે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં 20 વર્ષીય નવીન બહાદુર છૈત્રી પરિવાર રહેતો હતો, અને નવીન કાપોદ્રા અક્ષરધામ સોસાયટીના બીજા માળે આવેલ એક હીરાના કારખાનામાં કામ કરતો હતો, પિતા પણ રત્નકલાકારનું કામ કરે છે. નવીન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક જ સરણ ફાટે છે જેના ટુકડા નવીનની છાતીમાં ઘૂસી જાય છે, તેથી તે બેભાન અવસ્થામાં ઢળી પડે છે. થોડા સમય માટે કારખાનામાં બૂમરાડ મચી જાય છે. નવીનને ઘાયલ જોઈ સાથી રત્નકલાકારો તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડે છે પણ ત્યાં હાજર તબીબી તેને મૃત જાહેર કરે છે.
પરિવારજનો પર આભ તૂટયું
પરિવારને પણ બનાવની જાણ કરતાં તેઓ અધ્ધર શ્વાસે હોસ્પિટલ દોડી આવે છે જ્યાં નવીનની હાલત જોતાં જ તેઓ પડી ભાગે છે. થોડા સમય માટે હોસ્પિટલનું પરિસર પરિવારજનોના આક્રંદથી ગુંજી ઉઠે છે.
કારખાનામાં સુરક્ષાના સાધનોનો અભાવ
બીજી તરફ પરિવારજનો આરોપ છે કે કારખાનામાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો જેથી આ ઘટના બની છે. તેમજ કારખાનાના માલિક દ્વારા પણ પરિવારજનોને સંતોષજનક જવાબ આપવામાં આવ્યો નથી. જેથી યોગ્ય ન્યાય અને વળતરની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના કહી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
જો કે, બાદમાં પોલીસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો. પોલીસે પરિવારજનોની રજૂઆત સાંભળી કારખાનામાં ટેકનિકલ ખામી હતી કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
