ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વણસી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ સંપર્ક પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના દેશોમાં ઉભી થયેલી અશાંતિને પગલે સુરતથી દુબઈ અને શારજાહ જતી ફ્લાઈટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના શિડ્યુલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, સુરત-દુબઈ વચ્ચેની ફ્લાઈટ સેવા આગામી 10 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, સુરત-શારજાહ ફ્લાઈટ શરૂ થવા અંગે પણ હાલ ઘેરી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. એરલાઇન્સ કંપનીઓ અને મુસાફરો બંને માટે આ સ્થિતિ ચિંતાજનક છે. યુદ્ધના કારણે હવાઈ માર્ગો (Airspace) ના જોખમોને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે.

હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે, કે શું 11 માર્ચથી ફ્લાઈટ સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ થશે કે કેમ? એરપોર્ટ સત્તાધીશો અને એરલાઇન્સ આ મામલે મધ્ય પૂર્વની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. બીજી તરફ, સ્થાનિક મુસાફરો માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 1 એપ્રિલથી સુરત-દિલ્હી વચ્ચે એક વધારાની દૈનિક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે સ્થાનિક કનેક્ટિવિટીમાં વધારો કરશે.
