SURAT : ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રૂપના 20થી વધુ સ્થળે તપાસ

0
10
meetarticle

ડાયમંડ સિટી સુરતમાં બુધવારે (28મી જાન્યુઆરી) વહેલી સવારથી આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ ગ્રૂપના ઠેકાણાઓ પર IT વિભાગની DDI વિંગ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં જાણીતા ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો તપાસના ઘેરામાં છે.

તપાસમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા 

મળતી માહિતી અનુસાર, બુધવારે (28મી જાન્યુઆરી, 2026) સૂર્યોદય પહેલા જ આવકવેરા વિભાગની ટીમો હરકતમાં આવી હતી. તપાસમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. ઉદ્યોગપતિઓના રહેણાક મકાનો, ઓફિસો અને રિયલ એસ્ટેટના સાઈટ પ્રોજેક્ટ્સ સહિત અનેક સ્થળોએ ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

તપાસના નિશાને કોણ કોણ?

આઈટી વિભાગના આ દરોડામાં સુરતના અનેક મોટા માથાની પણ તપાસ થઈ રહી છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા પરિવારના લક્ષ્મી ગ્રૂપ પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનિલ બગદાણા અને તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અનિલ બગદાણાના ભાગીદાર તરુણ ભગત અને પ્રવિણ ભૂત પર પણ આઈટી વિભાગે સકંજો કસ્યો છે.

ઉદ્યોગ જગતમાં ફફડાટ

ગજેરા પરિવાર જેવી મોટી હસ્તીઓ પર આઈટીના દરોડા પડતા જ સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અનેક વેપારીઓએ પોતાના નાણાકીય વ્યવહારો અને ઓફિસોમાં તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here