સુરત શહેરના માર્ગો પર વધતા અકસ્માતોને અટકાવવા માટે સુરત ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા ભારે વાહનો વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના 21 વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જે પૈકી 2 સિટી બસો સહિત 20 જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.
આ અંગે ટ્રાફિક પોલીસે જણાવ્યું કે, આ વાહનચાલકો વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. કેટલાક ડ્રાઈવરો પાસે લાયસન્સ નહોતા. જ્યારે અમુક સીટ બેલ્ટ પહેરતા નહોતા. કેટલીક ગાડીઓની નંબર પ્લેટ પણ સ્પષ્ટ દેખાતી નહોતી.ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી અને સાંજે 5:00 થી 10:00 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે અને નિયમભંગ કરનારા વાહનચાલકો તથા માલિકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આ પગલાંનો હેતુ શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


