સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં AI દ્વારા બનાવેલી પ્રિન્ટના ઉપયોગથી કોમ્પ્યુટર પ્રિન્ટ બનાવીને નકલી પટોળા માત્ર રૂ.900ના ભાવે બજારમાં ધૂમ વેચાઈ રહ્યા છે. એક કારીગર આખો દિવસ સખત મહેનત કરીને જે પટોળું કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવે છે, તે જ પ્રકારની પ્રિન્ટ પટોળાના નામે શરીરને નુકસાન કરે તેવા કેમિકલના રંગો અને સિન્થેટિક કપડાં પર બનાવીને લગ્નસરામાં વેચી રહ્યા છે.

પટોળા હવે પ્રિન્ટેડ બની જતાં કારીગરોનો આક્રોશ
હમણાં જ પાટણના પટોળાના કારીગરોએ સરકારને વિનંતી કરી છે કે જીઆઈનો કડક કાયદો હોવા છતાં પણ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં ગુજરાતની ભવ્ય ધરોહરને નુકસાન પહોંચાડવાના હેતુથી પાટણના પટોળાની સદીઓ જૂની બનાવટ પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. પાટણના પટોળા વણાટકારો અને રાજકોટના પટોણા વણાટકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારના ડુપ્લિકેટ ડિઝાઈન તૈયાર કરીને પાટણ અને રાજકોટી પટોળા જેવા જ પટોળા બનાવતાં ઉદ્યોગકારોએ ગુજરાતની સદીઓ જૂની ગરીમાને નુકસાન કર્યું છે. સુરતમાં રોજના હજારો મીટર ડુપ્લિકેટ પટોળા છપાય છે જે થોડા દિવસમાં ગાભા જેવા થઈ જાય છે અને તેનો રંગ ઊડી જાય છે. આ અંગે વાત કરતાં પાટણના રાહુલ સાલ્વીએ જણાવ્યું હતું કે અમે સરકારમાં જીઆઈ ટેગના કાયદા અનુસાર ગુજરાતમાં પટોળાની અસલ બનાવટ અને તેના ઓરિજિનલ રંગોને સુરક્ષા પ્રદાન થાય તે માટે રજૂઆત કરી છે. જીઆઈ એક વૈશ્વિક ધરોહરને સાચવતી વૈશ્વિક સંસ્થા છે જે મૂળ કલાની બનાવટને તેના મૂળ મટિરિયલ સાથે સુરક્ષા પ્રદાન કરે છે. પરંતુ ભારતમાં જીઆઈના કાયદાને ઘોળીને પી જનારા ઉદ્યોગપતિઓએ હવે પાટણના પટોળાને ટાર્ગેટ કર્યા છે.
‘ખૂશ્બુ ગુજરાત કીના પ્રમોશન વખતે અમિતાભ બચ્ચને ગુજરાત સરકાર વતી પાટણના પટોળના પ્રાધાન્ય આપ્યું હતું. તે જ પટોળા કોઈ પણ પ્રકારની રોકટોક વગર કાયદાની ઐસી કી તૈસી સાથે સુરતના બજારમાં હોલસેલ રેટમાં રૂ.500માં અને રિટેઈલમાં ફક્ત રૂ.900થી રૂ.1500ની કિંમતમાં વેચાઈ રહ્યા છે. અસલ પટોળામાં ઓરિજિનલ સિલ્કને કુદરતી રંગો જેવા કે હળદર, મજીઠ, હરડે, દાડમ, ગલગોટો ઈત્યાદી રંગોથી રંગવામાં આવે છે અને તેને તાણા અને વાણાની ડિઝાઈનથી રંગવામાં આવે છે. અસલ પટોળું ચાર લાખની કિંમતનું છે. જે સદીયો સુધી તેના અસલ રંગો સાથે સચવાયેલું રહે છે.
પટોળાની ગરીમા સાથે ગુજરાતના આ ભાતીગળ વારસાને નુકસાન થતું હોવાથી સરકારે જેમ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાઘ્યો તેમ ડુપ્લિકેટ પટોળા પર પ્રતિબંધ લાદવો જોઈએ. આપણાં પટોળા કેવી રીતે બને છે, તે જોવા અનેક ટેક્સટાઈલ જગતના લોકો જાપાન અને અમેરિકાથી આવે છે. ત્યારે ગુજરાતમાં પટોળાના ઔદ્યોગિક ડુપ્લિકેશને આ કળાના અસ્તિવ સામે અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
