સુરત શહેરમાં ચાલી રહેલી લગ્નની સિઝનમાં કેટલાક લોકોની મજા શહેરીજનો માટે સજા બની રહી છે. લગ્નના અનેક વરઘોડા ટ્રાફિકના નિયમોના ભંગ કરીને રોંગ સાઈડમાં કાઢવામાં આવી રહ્યા છે. આજે ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ પર આવતા ડીજે સાથેના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં સેંકડો સુરતીઓ સાથે સુરતના મેયર પણ ફસાયા હતા. ટ્રાફિક જામમાં ફસાયેલા મેયરે પોલીસને જાણ કરીને આવી રીતે ન્યુસન્સ રૂપ નીકળતા વરઘોડા માં સામેલ વાહનો સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે સૂચના આપી છે.

સુરતમાં લગ્નની સિઝન જોરમાં ચાલી રહી છે પરંતુ કેટલાક લોકો લગ્નને દેખાડો બનાવી દેતા હોય છે. લોકો મોટા વાહનો અને ડીજે સાથે વરઘોડા નિકળી રહ્યાં છે તેમાં પણ પીક અવર્સમાં નિકળતા વરઘોડા લોકો માટે આફત બની જાય છે. આજે આવા જ એક વરઘોડાનો કડવો અનુભવ સુરતના મેયર દક્ષેશ માવાણીને થયો હતો. મેયર માવાણી ડભોલી વિસ્તારમાં એક મુલાકાતે ગયા હતા જ્યાં ડભોલી ચાર રસ્તા પર રોંગ સાઈડ આવતા એક વરઘોડામાં અન્ય લોકો સાથે મેયર પણ ફસાયા હતા.ડભોલી ચાર રસ્તા પર ડીજેના મોટા ટ્રેલર સાથે નિકળેલા વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ત્રણ કિલોમીટર જામ થયેલા ટ્રાફિકમાં અન્ય લોકો સાથે ખુદ મેયર પણ ફસાયા હતા. લાંબો સમય સુધી મેયર અને અન્ય લોકો ફસાતા મેયરને લોકોની સમસ્યાનો ખ્યાલ આવ્યો હતો. સ્થળ સ્થિતિ જોઈને મેયરે પીઆઈને ફોન કરીને સ્થિતિનો ખ્યાલ આપવા સાથે લોકોની હાલાકીની પણ વિગતો આપી હતી. આવી રીતે રોંગ સાઈડ અને મોટા વાહનો સાથે વરઘોડો નીકળ્યો છે તેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હોય વાહન ચાલક સામે ગુનો દાખલ કરી પગલાં ભરવાની સુચના મેયરે આપી છે.

