સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં તાડી પીવા ગયેલા 18 વર્ષીય યુવાનના રહસ્યમય મોત બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાડી વેચનારના ઘર પર ધસી જઈ જનતા રેડ કરી હતી. ઘટનાએ પોલીસની કામગીરી અને ગેરકાયદેસર તાડીના ધંધા પર સવાલો ઊભા કર્યા છે.માહિતી મુજબ ગુરુવાર, 9 ઓક્ટોબરના બપોરે ભાઠાગામ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બોમ્બે કોલોનીમાં રહેતો રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ (ઉંમર 18, છૂટક મજૂરી કરતો) પોતાના મિત્રો સાથે તાડી પીવા ગયો હતો.

તાડી પીતી વખતે મજાક-મસ્તી દરમ્યાન ગાળાગાળી થતાં ઝઘડો થયો હતો. ઝઘડાએ મારામારીનું સ્વરૂપ ધારણ કરતા થોડી જ વારમાં રાહુલની તબિયત બગડી ગઈ અને રાખલનગર પાસે તે ઢળી પડ્યો હતો.રાહુલના મોતની ખબર મળતાં પરિવારજનો અને ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે રાહુલનું મોત કોઈ સામાન્ય કારણસર નહીં, પરંતુ મિત્રો સાથે થયેલી મારામારીને કારણે થયું છે. આ ઘટના તાડીના અડ્ડા પર બનેલી હોવાથી લોકોએ ગુસ્સામાં તાડી વેચનારના ઘર તરફ રેલી કઢી હતી.લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તાડી વેચનાર પરિવાર પહેલાથી જ ઘર છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગ્રામજનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જનતા રેડ દરમિયાન મોટી સંખ્યામાં કોથળીઓમાં ભરેલી તાડી, બોટલ્સ તથા તાડી બનાવવાના સાધનો મળી આવ્યા હતા.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

