સુરતના કતારગામ-અમરોલી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે ગજેરા સર્કલ પાસે રત્નમાલા બ્રિજ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હતી. માંડ કાંસાનગરથી અમરોલી તરફ જતો એક તરફનો ભાગ તૈયાર થઈ ગયો હતો પરંતુ નેતા પાસે સમય ન હોવાથી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોકે, આ બ્રિજનું લોકાર્પણ થતું હતું ત્યારે બ્રિજ વિભાગ અને પાલિકાની અણઘડ કામગીરી જોવા મળી હતી. બ્રિજ નિર્માણમાં બીજી તરફ આવેલી શાળાના વિદ્યાર્થીઓની અવરજવર માટે ધ્યાન રખાયું ન હોવાથી બ્રીજના લોકાર્પણ સમયે જ સ્કૂલના વિદ્યાર્થીઓ રેલીંગ કુદી શાળાએ જતાં જોવા મળ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે.

કતારગામ ગજેરા સર્કલથી અમરોલીને જોડતા રત્નમાલા જંકશન બ્રિજ પર 62 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને સુરતના મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું હતું ત્યારે ચોંકાવનારા દ્શ્યો જોવા મળ્યા હતા. એક તરફ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ વાહનો પુર ઝડપે દોડતા હતા ત્યારે બ્રિજની બીજી તરફ આવેલી ભારત સેવાશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે સામે છેડેથી આવે છે. તેઓની રસ્તો ક્રોસ કરવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ સ્કૂલ આવવા જવા માટે રેલીંગ ઓળંગવી પડી રહી છે. આ સ્થિતિમાં અકસ્માતની ભીતિ હોવા છતાં તંત્રએ આયોજન કર્યું ન હોવાની ફરિયાદ બ્રિજ લોકાર્પણના પહેલા જ દિવસે થઈ રહી છે. આ ફરિયાદ બાદ મેયરે રેમ્પ બનાવવા માટેની તંત્રને તાકીદ કરી છે.

