સુરતના ભાટપોર વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં નિખાલસતાથી રમી રહેલા બે વર્ષના માસૂમ બાળકને ઝેરી કોબ્રા સાપે ડંખ મારતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. રોજીરોટી માટે આવેલા શ્રમિક પરિવાર પર આભ ફાટતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ સુરતના ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહીને કડિયાકામ કરતા દિનેશભાઈ નાદલા રાઠવાના પરિવાર સાથે આ દુર્ઘટના બની હતી. શુક્રવારે સાંજના સમયે તેમનો 2 વર્ષનો પુત્ર ઘરના આંગણામાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે એક ઝેરી કોબ્રા સાપ અચાનકઆવી ચઢ્યો હતો અને બાળકના જમણા પગે જોરદાર ડંખ માર્યો હતો. સાપ કરડતા જ બાળકે ચીસાચીસ કરી મૂકતા અને પગમાંથી લોહી નીકળતા પરિવારજનો દોડી આવ્યા હતા.પુત્રને સાપ કરડ્યો હોવાનું ધ્યાને આવતા જ પિતા દિનેશભાઈ તેને તાત્કાલિક સારવાર માટે ભાટપોરના સ્થાનિક ક્લિનીકમાં લઈ ગયા હતા. જોકે, બાળકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કમનસીબે, સાપનું ઝેર શરીરમાં પ્રસરી ગયું હોવાથી સિવિલના ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો.
6 ફૂટ લાંબા કોબ્રાનું રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકને ડંખ મારનાર અંદાજે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

