સુરત પાલિકાની આજની સ્થાયી સમિતિમાં કોફડ ડેમ બનાવવા માટેન દરખાસ્ત મંજુર થતાની સાથે જ બેરેજ માટેનો પહેલો ફેઝ પણ શરુ થઈ ગયો છે. સુરતમાં બનનારો આ બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે. આ સાથે સાથે હવે સુરતીઓને પીવાના પાણી સાથે સાથે જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસીના 25 જેટલા ગામડા માટે 2365 હેક્ટર માટે સિંચાઈનું આયોજન કરી શકાશે. સી ડબ્લ્યુ સી ની ડિઝાઈન પ્રમાણે હવે બેરેજની કામગીરી માટે માટીના પાળા ના બદલે ડબલ વોલ શીટ પાઈલ કોફર ડેમ બનાવાશે જેનો અંદાજીત ખર્ચ 180 કરોડનો થશે તે દરખાસ્ત આજે સ્થાયી સમિતિએ મંજૂર કરી છે.

સુરત પાલિકાના મહત્વકાંક્ષી એવા રૂંઢ-ભાઠા ને જોડતા સૂચિત કન્વેશનલ બેરેજ પ્રોજેકના ટેન્ડર સાડા ત્રણ વર્ષ પહેલા મંજુર કરવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં વિવિધ સરકારી એજન્સી પાસે મંજુરીની કામગીરી પૂરી થઈ ગઈ છે. ટેન્ડર મંજુર થયાના સાડા ત્રણ વર્ષ બાદ ફાઈલમાંથી કન્વેશનલ બેરેજની કામગીરી બહાર આવી છે. જોકે, પહેલા જે ડિઝાઇન મંજુર થઈ હતી અને તે ડિઝાઈનમાં સી. ડબ્યુ. સી. એ ફેરફાર સૂચવ્યા છે તેમાં કોફર ડેમ બનાવવાનું સુચન કરાયું હતું આ માટે વધારાના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજુર કરી છે. સુરત પાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ નં.605/2022થી તાપી નદી પર બહુહેતુક કન્વેશનલ બેરેજ પ્રોજેકટ હાથ ધરવા માટે બે વર્ષના ઓપરેશન, મેઇન્ટેનન્સ ઉપરાંત કેપીટલ કામગીરી પેટે 825.91 કરોડ સહિત કુલ 941.71 કરોડના ખર્ચે આઇટમ રેટ મુજબ ઇજારદાર યુનિક કન્સ્ટ્રકશનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
પહેલા જે ટેન્ડર મંજુર થયા તેમાં નદીમાં માટી પાળાના કોફર ડેમ તથા પાણીના પ્રવાહ સામે પ્રોટેકશન માટે શીટ પાઇલ આઇટમની ગણતરી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક અભ્યાસ બાદ સી. ડબ્યુ. સી.એ જે ડિઝાઇન મંજુર કરી છે તેમાં બેરેજ પ્રોજેકટની કામગીરી હાથ ધરવા માટે માટીના પાળાના બદલે ડબલ વોલï શીટ પાઇલ કોફર ડેમ બનાવવામાં આવશે. આ માટીના પાળાના બદલે ડબલ વોલ શીટ પાઇલ ફોફર ડેમ માટે અંદાજે 180 કરોડનો ખર્ચનો અંદાજ છે તે દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી છે.
આ પહેલા પ્રોજેક્ટ માત્ર સુરતને પીવાના પાણી માટે હતો પરંતુ હવે સુરતની આસપાસના ઓલપાડ અને ચોર્યાસીના 25 જેટલા ગામોના 2365 હેક્ટર માટે સિંચાઈ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરફાર અને કોફર ડેમના કારણે પ્રોજેક્ટની કિંમતમાં પણ વધારો થયો છે.
10 કિલોમીટરનું મીઠા પાણીનું સરોવર બનશે
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં રૂંઢ-ભાઠાને જાડતા સૂચિત કન્વેશનલ બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે તેની સાથે સાથે સુરતની તાપી નદીમાં 10 કિલોમીટરનું મીઠા પાણીનું મોટું સરોવર પણ બની જશે તેના કારણે રિયાઈ ખારાશનો ભૂગર્ભ જળમાં થતો પ્રવેશ અટકાવી શકાશે
આ 10 કિલોમીટરના મીઠા પાણીના સરોવરોમાં 18.73 મિલિયન કયુબિક મીટર વધારાના જથ્થાથી શહેરી જનોની આગામી વર્ષ ૨૦50 સુધી પીવાના પાણીની માંગને પહોંચી શકાશે તેની સાથે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ રીચાર્જ થશે. સુરતના અઠવા, ડુમસ, રાંદેર, પાલ, ભાઠા, અડાજણ, ઉધના, લિંબાયત વિગેરે ઝોન વિસ્તારના વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.
આ ઉપરાંત આ બેરેજ બનવાથી ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતું પાણીનો સંગ્રહ કરી શહેરના પર્યાવરણ અને સૌંદર્યલક્ષી સ્થિતિમાં વધારો કરી સુરત શહેર માટે મનોરંજક પ્રવૃત્તિ પણ શરુ કરી શકાશે.
આ ગામડાને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે
તાપી નદીના જમણા કાંઠે ચોર્યાસી તથા ઓલપાડ ગામના છેવાડા ના ૨૫ ગામો દામકા, વાંસવા, લવાછા, આડમોર, ભાડુત, સેલુત, ખોસાડિયા, પિંજરત, તેના, મલગામા, જુનાગામ, સુવાલી, મોરા અને રાજગરી માટે સિંચાઇ સુવિધા માટે તાપી બેરેજ આધારિત લિફ્ટ ઇરીગેશન સ્કીમ નુ આયોજન કરવામાં આવેલ છે. આ યોજના થકી કુલ ૨૩૬૫ હેકટર વિસ્તારમાં ખરીફ તથા રવિ મોસમ માં ડાંગર, જુવાર, બાજરી તથા શાકભાજી જેવા પાકની સિંચાઈ કરવાનું આયોજન છે. તાપી બેરેજ આધારિત લિફ્ટ સિંચાઇ યોજના થકી ઉકાઈ કાકરાપાર યોજના ના સિંચાઇ થી વંચિત આ છેવાડા ના ગામો ને લિફ્ટ સિંચાઇ યોજનાનો લાભ આપી શકાશે.
પ્રોજેક્ટની વિશિષ્ટતા
1. અંદાજિત ખર્ચ :- 974 કરોડ
2. જળાશયની લંબાઈ :- 10 કિમી
૩. પાણીનો સંગ્રહ :- 18.73 એમ.સી.એમ.
4. ડિઝાઇન:-100 વર્ષના ડેટાના આધારે
5. બેરેજની લંબાઈ : 1020 મીટર
6. બેરેજની પહોળાઈ : ૩૩ મીટર
7. બ્રિજ રોડની લંબાઈ : 3.6 કિમી
8. ગાઈડ બંડની ઊંચાઈ : 13 મીટર
પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર 25 ટકા જેટલી ગ્રાન્ટ આપશે
સુરતના બેરેજ પ્રોજેક્ટ માત્ર સુરતની પીવાના પાણી માટે નહીં પરંતુ સુરત આસપાસ ના ગામડા માટે સિંચાઈ અને પીવાના પાણીનો પણ સમાવેશ થતા હવે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પણ 25 ટકા ગ્રાન્ટ આપવાની તૈયારી બતાવી છે.
સુરતના બેરેજના હેતુમાં ફેરફાર થતા ડિઝાઈનમાં લાંબા ગાળા ને ધ્યાને રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારના કારણે અંદાજીત ખર્ચ 23.46 કરોડથી વધીને 180 કરોડ સુધી પહોંચ્યો છે. વધારાના ખર્ચ અંગેની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે.
રૂંઢ અને ભાઠા જોડતા સુચિત કન્વેન્શનલ બેરેજમાં હવે ‘સીંચાઇ’નો હેતુ સત્તાવાર રીતે ઉમેરાતા પ્રોજેક્ટનો વ્યાપ અને મહત્વ બંને વધી ગયા છે. રાજ્ય સરકાર સિંચાઈ હેતુ જોડવાની શરતે પ્રોજેક્ટને 25 ટકા ગ્રાન્ટ આપવા તૈયારી બતાવી છે જેના કારણે ડિઝાઈનમાં ફેરફાર કર્યા છે.

