સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ બંધ બેગમાંથી અંદાજીત 20 વર્ષીય યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ અજાણી યુવતીની અન્યત્ર હત્યા કરવામાં આવી હોઇ શકે છે અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને આ સૂમસામ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો છે.
હાલ પોલીસ માટે મૃતક યુવતીની ઓળખ કરવી એ પ્રથમ પ્રાથમિકતા છે. આ મૃતદેહ કોનો છે અને આ ઘાતકી હત્યા કોણે અને શા માટે કરી? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અજાણી મહિલાની ઓળખ કરવા અને હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે.

