સુરત જિલ્લાના માંડવી નગરમાં એક મહિલા દર્દીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી ડૉક્ટરની ધરપકડ બાદ હવે ધર્માંતરણની પ્રવૃત્તિમાં સામેલ તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે.

શું છે સમગ્ર મામલો?
માંડવી ખાતે દવાખાનું ધરાવતા ડૉ. અંકિત રામજીભાઈ ચૌધરી (ઉ.વ. 30) ત્યાં પતિની સારવાર માટે આવતી એક મહિલાને ડૉક્ટરે પ્રેમજાળમાં ફસાવી હતી. ડૉક્ટરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેની સામે શરત મૂકી હતી કે ‘જો તું તારા આખા પરિવારનું ધર્મપરિવર્તન કરાવે તો જ હું તારી સાથે લગ્ન કરીશ.’ આ અંગે મહિલાએ ડૉક્ટર અંકિત વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં 16 મે 2025 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસ દરમિયાન ડૉક્ટર અંકિતના પિતા રામજીભાઈ ડુબલભાઈ ચૌધરી (ઉ.વ. 56) ની પણ આ ગુનામાં ગંભીર સંડોવણી બહાર આવી હતી. રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરે છે. તેઓ ખ્રિસ્તી ધર્મમાં ‘પાસ્ટર’ તરીકેની કામગીરી પણ બજાવે છે. રામજીભાઈએ વર્ષ 2014માં ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી, જેના તેઓ પ્રમુખ છે.
પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, માંડવી પંથકના લોકો બીમારીમાં ડૉ. અંકિત ચૌધરી પાસે જતા હતા. તે સમયે અંકિત તેના પિતા રામજીભાઈનો સંપર્ક કરાવી આપતો હતો. રામજીભાઈ બીમાર વ્યક્તિની સારવાર માટે પ્રાર્થના કરવા અને બાધા રાખવાનું કહીને વિધિના નામે ધર્મપરિવર્તન માટેના પ્રયાસો કરતા હતા. તેઓ ગરીબ અને ભોળી પ્રજાને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવતા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.
માંગરોળ DySP બી.કે. વનારે આ કેસની તપાસ હાથ ધરી હતી. પુરાવાના આધારે પોલીસે રામજીભાઈ ચૌધરીની ‘ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ 2021’ ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ ટ્રસ્ટના આવકનાં સ્ત્રોત અને અન્ય લોકોની સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે.

