સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઈને યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ 89 વિદ્યાર્થીઓને રૂપિયા 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હતી. જોકે, તપાસ દરમિયાન આ વિદ્યાર્થીઓ ઝડપાઇ ગયા હતા. યુનિવર્સિટીની માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા તપાસ કરાતા 32 વિદ્યાર્થીઓ કાપલી દ્વારા અને 12 વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ગેઝેટ દ્વારા ચોરી કરતા ઝડપાયા હતા. આ સિવાય અન્ય વિદ્યાર્થીઓ પણ વિવિધ પ્રકારે ચોરી કરતા ઝડપાતા તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ કાર્યવાહીના ભાગરૂપે 89 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગેરહાજર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
નોંધનીય છે કે, કમિટીએ માત્ર ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ જ નહીં, પણ નિયત સમયગાળામાં સુનાવણી માટે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે પણ કમિટી કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. 42 વિદ્યાર્થીઓ સુનાવણી માટે ગેરહાજર રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
89 વિદ્યાર્થીને રૂ. 2 લાખનો દંડ
માલપ્રેક્ટિસ ઈન્ક્વાયરી કમિટીએ તમામ કેસોની સુનાવણી હાથ ધરી હતી અને ગેરરીતિ સાબિત થતાં કુલ 89 વિદ્યાર્થીઓને રૂ. 2 લાખનો સામૂહિક દંડ ફટકાર્યો છે. યુનિવર્સિટીની આ કડક કાર્યવાહીથી પરીક્ષામાં ગેરરીતિ આચરનારા તત્ત્વોમાં ફફડાટ છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગરિમા જાળવી રાખવાની અને પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરવાની ચેતવણી આપી છે.
