સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. મંગળવારે (20મી જાન્યુઆરી) સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ અંતે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.

યુવક અચાનક જ નદીમાં કૂદી પડ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, સુરતમાં આજે સવારે એક અજાણ્યો યુવક સવજી કોરાટ બ્રિજ પર પહોંચ્યો હતો. આ યુવકે કોઈ પણ વિચાર કર્યા વગર અચાનક જ નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. આઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયરના જવાનોએ નદીના વહેણમાં વિવિધ દિશાઓમાં યુવકની શોધખોળ કરી હતી. જોકે, કલાકોની જહેમત બાદ ફાયર વિભાગને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે રહસ્ય અકબંધ છે. પોલીસે યુવકની ઓળખ કરીને પરિવારનો સંપર્ક કરવા માટે તપાસ તેજ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
