સુરત જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહીત 15.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જયારે બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે તપાસ કરતા એમ્બુલન્સની પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જનાર છે.આ બાતમીના આધારે પોલીસે ધોરણ પારડી ગામની સીમમાં ઘલા પાટિયા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન એમ્બુલન્સ આવતા તેને રોકીને તપાસ કરતા એમ્બુલન્સની પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સંદીપ દિનેશ શુક્લા (36)ને ઝડપી પાડ્યો હતો. જયારે એમ્બુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર મુન્ના તેમજ મુન્નાનો સંપર્ક કરાવનાર લોબર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 5.80 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, 10 લાખની એમ્બ્યુલન્સ, એક મોબાઈલ ફોન અને આરોપીની અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા 2 હજાર મળી કુલ 15,87,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

