સુરતમાં હોસ્પિટલના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, નાનપુરાની ટ્રાઈસ્ટાર હોસ્પિટલ બંધ કરી ભૂગર્ભમાં ઉતર્યા સંચાલકો, 3 વેપારી પાસેથી રૂ.71.82 લાખનો સર્જીકલ સામાન લીધો અને રૂપિયા આપ્યા ન હોવાની વાત સામે આવી છે.
વેપારીઓએ ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને સંચાલકો પેમેન્ટ કરવાને બદલે ભૂગર્ભમાં ઉતરતા ફરિયાદ નોંધાઈ છે, નાનપુરા સ્થિત ટ્રાઈસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરો સામે શહેરના મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ અઠવા પોલીસે નોંધતા મેડિકલ આલમમાં ચકચાર મચી ગઈ છે.

હોસ્પિટલમાં વપરાતા હાર્ટ સર્જરીના મોંઘા સાધનો ખરીદી તેની ચુકવણી કર્યા વિના હોસ્પિટલને તાળા મારી દઈ ઉઠમણું કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બહાર આવી રહ્યા છે. અઠવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરાના કે.સી.ટેલરે પોલીસમાં ફરિયાદ કરી છે કે, તેઓ કે.યુ. શ્રી સોલ્યુશન નામે હોસ્પિટલમાં વપરાતા સર્જિકલ સાધનોના વેપાર કરે છે. તેમની દસેક વર્ષથી સપ્લાયર તરીકે નાનપુરાની ટ્રાઈસ્ટાર લાઈફ સાયન્સ પ્રા.લિમિ.ના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મહેરા સાથે ઓળખાણ હતી. જાન્યુઆરી ૨૦૨૪માં મહેરા બંધુઓએ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશનમાં વપરાતા સ્ટેન્ટ, બથુન, વાયર કેથેટર સહિતના મેડિકલ ડિવાઈસ મળી રૂ. ૩૯,૮૫,૪૩૬ની મત્તાની ખરીદી કરી હતી.
સર્જિકલ સાધનોની ખરીદી પેટે સમયસર નાણાં ચૂકવી દેવાની ખાતરી આપતાં વિશ્વાસ રાખીને કે.સી.ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા. ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરોએ નાણાં ચૂકવવા આનાકાની કરવા માંડી હતી. આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકોએ અન્ય સપ્લાયર ઉમંગ તિવારીની પાસેથી રૂ. ૧૮,૮૨,૫૭૬ અને વિષ્ણુ ડાકોરીયા પાસેથી રૂ. ૧૬,૧૩,૯૯૬નો મુદ્દામાલ ખરીદી કરીને તેઓની સાથે પણ આ રીતે જ વિશ્વાસઘાત કરી નાણાં ચૂકવ્યા ન હતા. આ તમામ સાથે મળી રૂ. ૭૧,૮૨,૦૦૮નો ઉલાળીયો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
