બેરોજગાર રત્નકલાકારોને સહાય માટે ગુજરાત સરકાર દ્વારા 13,500 રૂપિયાની બાળકોની શિક્ષણ સફાય ફીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે સુરત શહેરમાં હજુ સુધી સહાય મળી નથી ત્યારે સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હીરા ઉઘોગના અસરગ્રસ્ત રત્નકલાકારો પાસે માંગવામાં આવતા ઉઘોગ આધાર, ઉઘમ રજીસ્ટ્રેશનનો પરિપત્ર રદ કરી રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવા બાબતે રજૂઆત કરી હતી.ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે હીરા ઉઘોગમાં 2 વર્ષથી ચાલતી આવેલી મંદીમાં સરકારે 13,500 રૂપિયાની શિક્ષણ ફી રાહતની જાહેરાત કરી હતી. માંડ માંડ ડોક્યુમેન્ટ ભેગા કરીને 70 હજારથી વધુ રત્નકલાકારો સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં 1 લાખ કરતા વધારે રત્નકલાકારોએ ફોર્મ ભર્યા હતા, ત્યારબાદ સુરત ડાયમંડ એસોસિએશન પાસે અને ત્યારબાદ સ્કૂલોની અંદર ધક્કા ખવરાવવામાં આવતા હતા. આ બધાની વચ્ચે રત્નકલાકારો હેરાન થઈ ગયા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે જિલ્લા ઉઘોગ કેન્દ્રની અંદર નોંધાયેલું કારખાનાનું રજીસ્ટ્રર જમા કરવો તો જ તમારા બાળકોની શિક્ષણ ફી ભરશે, જયારે અમદાવાદની અંદર 24 લાખ જેટલી માતબર રકમ રત્નકલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે આજે અમે કલેકટર ઓફિસે આવીને જાણ કરવા આવ્યા છીએ કે સુરત શહેરની અંદર 70 હજાર કરતા વધારે રત્નકલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉઘોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે તાત્કાલિક રદ કરી દેવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

