સુરત શહેરના પોશ ગણાતા રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં ચાલતા એક મોટા દેહવ્યાપારના નેટવર્કનો મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી ‘કમ્ફર્ટ કોવ’ નામની હોટલના રૂમમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ દરોડામાં ચાર યુવતીઓને આ ચુંગાલમાંથી મુક્ત કરાવી છે, જ્યારે મુખ્ય દલાલ અને હોટલના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહક બનીને પોલીસે કર્યો પર્દાફાશ
મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે વી સ્ક્વેર મોલની હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક બનીને દલાલ રતન મહાદેવ ગયાન (ઉર્ફે રાજુ) નો સંપર્ક કર્યો હતો. દલાલે ગ્રાહક બનેલા પોલીસકર્મીને હોટલ પર બોલાવતા જ સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો અને ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
21 વર્ષીય પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની પણ ફસાઈ
પોલીસને સ્થળ પરથી ચાર યુવતીઓ મળી આવી હતી, જેમને મુક્ત કરાવી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી કે, મુક્ત કરાયેલી ચાર યુવતીઓમાંથી એક માત્ર 21 વર્ષની છે અને તે પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની છે.
પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, કોલેજની ફી અને ભણતરનો અન્ય ખર્ચ ઉઠાવવા માટે તેની પાસે પૈસા ન હતા. આર્થિક મજબૂરીના કારણે તે પૈસા ભેગા કરવા એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના દલદલમાં ફસાઈ ગઈ હતી.
દલાલ અને હોટલ સંચાલકની ધરપકડ
પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી દલાલ રતન મહાદેવ ગયાન (ઉર્ફે રાજુ) અને હોટલ સંચાલક પીયૂષ લીલાભાઈ દેસાઈની તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 3 મોબાઈલ ફોન, રૂ.11,000 રોકડા અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.31,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બંને આરોપીઓ વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ (PITA) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ માટે આ કેસ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

