સાયલા પંથકમાં એસઓજીએ સતત બીજા દિવસે દરોડાની કામગીરી હાથ ધરી ચોરવિરામાં કાર્બોસેલની ૨૦ ગેરકાયદે ખાણ ઝડપી પાડી ૫૦ મજૂરોનું રેસ્ક્યૂ કર્યું હતું. પોલીસે ૧૫ ચરખી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ચાર મહિનામાં ચોરવીરા, ઇશ્વરિયા ગામમાં ૧૦૨ કૂવાઓ ઝડપાતા સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ગેરકાયદેસર ખનિજ ચોરીનો વ્યાપ વધતા એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ)ની ટીમે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સાયલાના ચોરવિરા વિસ્તારમાં સતત બીજા દિવસે એસ.ઓ.જી.ની ટીમે આકસ્મિક દરોડા પાડી ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ ઝડપી પાડયું છે.આ કામગીરી દરમિયાન ૨૦ જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી પાડવામાં આવી હતી. દરોડા દરમિયાન જોખમી રીતે કામ કરી રહેલા ૫૦ જેટલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૧૫ ચરખી મશીનો અને મોટા પ્રમાણમાં કાર્બોસેલનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આગળની તપાસ ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવી છે.
ચોરવિરા વિસ્તારમાં લાંબા સમયથી ખનિજ માફિયાઓ સક્રિય છે, ત્યારે એસ.ઓ.જી.ની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ અને ખાણ ખનિજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. વારંવાર કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત થવા છતાં આ પ્રવૃત્તિ કેમ અટકતી નથી તે એક મોટો પ્રશ્ન છે. આ દરોડાથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
છેલ્લા 4 મહિનામાં થયેલી કાર્યવાહીનો આંકડો
તારીખ ઝડપાયેલા કૂવા (ખાણ) અધિકારી/વિભાગ
૨૧-૦૧-૨૬ ૪૩ કૂવા ખનિજ વિભાગ, સુરેન્દ્રનગર
૦૯-૦૧-૨૬ ૩૨ કૂવા મામલતદાર, સાયલા
૦૧-૦૧-૨૫ ૦૭ કૂવા પ્રાંત અધિકારી, લીંબડી
૨૬-૧૨-૨૫ ૦૭ કૂવા પ્રાંત અધિકારી, ચોટીલા
૩૦-૧૧-૨૫ ૦૯ કૂવા ખનિજ વિભાગ, સુરેન્દ્રનગર
૨૯-૦૯-૨૫ ૦૪ કૂવા ખનિજ વિભાગ, સુરેન્દ્રનગર
કુલ ૧૨૦ કૂવા

