સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના ગણાતા થાનગઢ રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેશન પરિસરમાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સ્ટેશન પર આવેલા શૌચાલયની કુંડીઓ લાંબા સમયથી સાફ ન કરવામાં આવતા તે છલકાઈ રહી છે, જેના કારણે સમગ્ર પ્લેટફોર્મ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ગંદકીને લીધે મુસાફરો માટે પ્લેટફોર્મ પર ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.
ગંદકીની સાથે પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની છે. રેલવે તંત્ર દ્વારા પાણીના નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પાણી પીવા માટે એક પણ ગ્લાસની વ્યવસ્થા નથી. જે મુસાફરો પાસે પોતાની બોટલ નથી, તેમને પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડે છે અથવા હાથથી પાણી પીવાની ફરજ પડે છે. સ્થાનિક રહીશો અને મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું જણાય છે. જોકે, વધતા રોષને જોતા રેલવે અધિકારીએ હવે તાત્કાલિક સફાઈ કરાવવાની ખાતરી આપી છે.

