દસાડા પોલીસ મથકે ફરિયાદી વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો.જે કેસમાં માર નહીં મારવાના તથા બીજા અન્ય કેસોમાં ફરિયાદીનું નામ નહીં ખોલવા માટે દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ મેમકીયાએ રૃ.૮૦,૦૦૦ની લાંચ માંગી હતી.

જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા. આથી અમદાવાદ એસીબી પોલીસને જાણ કરી હતી. જેના ભાગરૃપે અમદાવાદ એસીબી પી.આઈ. એન.બી.સોલંકી સહિતના સ્ટાફે દસાડા ખાતે આવેલ વી.એમ. કોમ્પ્યુટરરાઈઝ વે-બ્રીજ ખાતે ટ્રેપ (છટકું) ગોઠવી હતી જેમા નક્કી થયા મુજબ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મેમકીયાએ ફરિયાદી પાસે રોકડ રૃ.૮૦,૦૦૦ની લાંચ માંગી હતું પરંતુ કોઈ કારણોસર આ રકમ સ્વીકારી નહોતી અને તે દરમિયાન જ અમદાવાદ એસીબી ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર લાંચ પ્રકરણમાં પોલીસ અધિકારી વતી લાંચ માંગનાર કથિત વહિવટદાર અને અન્ય બદલી થયેલા પોલીસ કર્મચારીની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમ છતાંય તેમના નામો કેમ નથી ખુલ્યા અને કેમ ફરિયાદ પણ નથી નોંધાઈ ? સહિતની ચર્ચાઓએ જોર પકડયું છે.

