લખતર-વિરમગામ હાઇવે પર કડુ પાસે નર્મદા કેનાલનો પુલ જર્જરિત થતાં મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઇ રહી છે. પુલની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ખરી જતાં લોખંડના સળીયા બહાર આવી ગયા છે. દુર્ઘટના સર્જાય તે પહેલા સમરાકામ હાથ ધરવા વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.

લખતર નજીક કડુ ગામ નજીક આવેલો નર્મદા કેનાલનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે પુલની કથળતી જતી સ્થિતિ વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહી છે.
પુલની હાલત એટલી ખરાબ છે કે નીચેના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડી રહ્યા છે અને અંદર રહેલા લોખંડના સળીયા પણ બહાર દેખાઈ રહ્યા છે. વારંવાર અકસ્માત માટે જાણીતા આ હાઇવે પર પુલની આવી સ્થિતિ કોઈ મોટી જાનહાનિને નોતરે તેવી શક્યતા છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આ માર્ગ પરથી પસાર થતા અધિકારીઓને આ જોખમી પુલ કેમ દેખાતો નથી? કોઈ ગંભીર હોનારત સર્જાય તેની રાહ જોયા વગર વહેલી તકે પુલનું રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

