SURENDRANAGAR : સાયલામાં ચૂંટણી વચ્ચે AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

0
17
meetarticle

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ‘આપ’ના યુવા પ્રમુખ ભરતભાઈ પર પક્ષના જ જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સાયલા પોલીસ મથકે જિલ્લા પ્રમુખ સહિત પાંચ લોકો સામે મારમારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે.

ટિકિટની માંગણી અને સોશિયલ મીડિયા પર આક્ષેપ

મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકા ‘આપ’ના યુવા પ્રમુખ ભરતભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવા પ્રમુખનો આક્ષેપ છે કે, ‘મે જિલ્લા પંચાયતની ટિકિટની માંગણી કરવામાં આવી હતી. જોકે, જિલ્લા પ્રમુખ મયુર સાકરિયાએ મને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી.’ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં ટિકિટ ન મળતા ભરતભાઈએ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે, મયુર સાકરીયા દ્વારા રૂપિયા લઈને ટિકિટોની વહેંચણી કરવામાં આવી રહી છે. ભરતભાઈએ આ આક્ષેપો અંગે પુરાવા હોવાનો દાવો કરી જાહેરમાં ડિબેટ કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

પોસ્ટ ડિલીટ કરવા દબાણ અને હુમલો

ભરતભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી રોષે ભરાયેલા આરોપીઓએ તેમને આ પોસ્ટ ડિલીટ કરવા માટે ધમકી આપી હતી. જ્યારે ભરતભાઈએ ઝૂકવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પાંચ લોકો સામે નોંધાઈ ફરિયાદ

સાયલા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે આપના જિલ્લા પ્રમુખ મયુર સાકરિયા,જિલ્લા પંચાયતના ઉમેદવાર હરેશ વાટુકિયા, જિલ્લા પંચાયતના ઉમેદવાર મનસુખ સરવૈયા, રાજેશ લળતુકા અને  મનસુખ સરવૈયા સામે ગુનો નોંધ્યો છે.

‘આપ’ની છબી ખરડાઈ

ચૂંટણીના ટાણે જ પક્ષમાં ટિકિટ વેચણીના આક્ષેપો અને મારામારીની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. એક તરફ પક્ષ ‘ઈમાનદાર’ રાજનીતિના દાવા કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લા પ્રમુખ સામે જ રૂપિયા લઈ ટિકિટ વેચવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here