લીંબડી – અમદાવાદ-રાજકોટ હાઇવે પર રસ્તા પર કટારીયાના પાટીયા નજીક આવેલા ટોલ નાકા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંં સારવાર દરમ્યાન કાર ચાલકનું મોત નિપજ્યું હતું.

મધ્ય પ્રદેશના કાલીઘટીના અને હાલ સાયલા તાલુકાના કાનપુર ખાતે રહેતાં મુકેશભાઈ પ્રભુભાઈ હઠીલા (ઉ.૨૭) અમદાવાદથી કાર લઈને કાનપુર પરત ફરી રહ્યા હતા. તે સમયે વહેલી સવારે કટારીયા નજીક ટોલ નાકા પાસે પહોંચતા તેમની કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મુકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મુકેશભાઈ ના મૃત્યુના સમાચાર સાંભળતા પરીવાર જનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું. પરીવાર જનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. તેમજ આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચીને મુકેશભાઈની ડેડબોડીને પીએમ અર્થે મોકલી આપી હતી. અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

